Sunday, February 15, 2015

એક શુભાંગ કથા .............ડો હિતેષ એ. મોઢા



આંખ સમક્ષ બનેલા કેટલાક પ્રસંગો-અવસરો વારંવાર પાંપણની સપાટી પર આવી જતા હોય છે, અને કશા જ સંદર્ભ કે આયાસ વિના. આવો જ એક પ્રસંગ આજે વાર્તા રૂપે રજુ કરવાની કોશિશ કરુ છું.

૭૦૦૦ ફુટના સ્પેશ્યિસ  કાર્પેટ ધરાવતા સૌરાષ્ટ્રીય બાંધણીથી સજ્જ એવા બેઠા ઘાટના બંગલાના દિવાન ખંડમાં એક દ્ર્શ્ય રજુ થયુ, શેઠાણી શાંતિ બહેન તેમનાં પતિ ને કહેવા લાગ્યા, '' 'સાંભળો છો આપણી 'હેમાંગી' એ સત્યાવીશ પૂરા કર્યા તેને પણ આજે પાંચ મહિના થવા લાગ્યા, ......., .........,'',  'મને ખબર છે પરંતુ હેમી ને એક પણ મુરતિયો પસંદ જ નથી આવતો તો આપણે શું કરવાનું ??'' કહી શેઠશ્રી અમુલખચંદ્ર સંઘવીએ શેઠાણી તરફ જોયું.

પેઢીઓથી ખાનદાની ને સમૃદ્ધિને વરેલ અમુલખચંદ્રનો ખ્યાતિ-ગઢ શહેરને ફરતે જ નહિ, દેશ-વિદેશ સુધી વિસ્તાર પામેલ. બંગલામાં  ગ્રુહ-કર્મીઓની ફોજ હોવા છતાં દીવાન-ખંડમાં જ  શેઠ-શેઠાણી આવી અંગત અને નાજુક વાત કરતા.

દેશી-વિદેશી કારોની લગાર હોવા છતાં, હેમાંગી રોજની માફક સ્કુટર લઈને જ શહેરમાં કશાક ઘરેલુ કામ હેતુ બહાર નીકળી હતી.  શેઠ તેની રાહ જોતા દીવાન ખંડમાં બેસી રહ્યા. 

સાંજના ૭ વાગ્યે, હેમાંગી ઘરે આવી કે શેઠે તેને દીવાન ખંડમાં બોલાવી અને પૂછ્યુ, 'બેટા તે આટ -આટલા મુરતિયાઓની ના-પસંદ કર્યા છે, તો તારી પસંદનો કોઈ મુરતિયો હોય તો મને કહે, હું તેને પણ અપનાવવા તૈયાર છું.'

'પપ્પા મારા ધ્યાનમાં એક યુવક છે, જે મને ગમે છે, મારે ઘણી વાર તેની જોડે વાત પણ થઈ છે, અને કોલેજમાં એસવાય સુધી મારી જોડે ભણતો હતો.' કહી હેમાંગી એ સોફા પર બેસી ગઈ. 

'દિકરા એ યુવકનું નામ સરનામું તો આપ'.  'પપ્પા તમે તો તેને ઘણી મળી ચુક્યા છો અને ઓળખો પણ છો', તેનું પારસી અગિયારીની પાસે નાનકડું એક ગેરેજ છે.' તેનું નામ શુભાંગ છે પપ્પા' આટલુ કહી હેમાંગી તેના બેડરૂમ તરફ જવા લાગી. 

અડધા કલાક બાદ, લાઈબ્રેરીમાં શુભાંગ અને શેઠ વાતો કરતા હતા, અને શેઠે અચાનક તેની દિકરી માટે હાથ માગ્યો.  જુઓ શેઠજી, હેમાંગી રહી શુક્ર નો તારક, તે જયારે આકાશમાં ઉગે છે ત્યારે તે પોતાના ઓજસથી આખા આકાશને  ભરી દે છે. અને હું રહ્યો વગડાઉ ફુલ, ન તો ક'દી મંદિરે ચડી શકે, ન તો અબોંડે શોભી શકે.' 

શેઠ દંગ રહી ગયા આ જવાબ સાંભળીને. પેલા યુવકે વાતને આગળ વધારતા કહ્યુ ' શેઠ જ્યારે એસ-વાયમાં હતો ત્યારે મારા પિતાજીનું દેહાંત થયુ, અને બન્ને ભાઈ બહેનોની જવાબદારી મારા શીરે આવી, એટલે ગેરેજનુ કામ શીખી ગેરેજ શરુ કર્યુ, નિશંક મારો આ દેખાવ મારો વેરી બની જાય છે, મારો આ લૂક ગેરેજવાળા કરતા કોઈ ગારમેન્ટ કંપનીના મોડેલ જેવો વધુ લાગે છે'. 

શેઠ ફરીથી દંગ રહી ગયા કારણ શુભાંગ જે રીતે વિતક રજુ કરતો હતો તેમાં ભારોભાર સચ્ચાઈ ને ખુદ્દારી હતી.  'શેઠ હું જાણુ તમે તમારી દિકરીની ખુશી માટે ગમે તે કરવા તૈયાર થઈ જશો,  તમે મને કોઈ એક ફેકટરીમાં અર્ધ-માલિકી કે કે નવો પ્લાન્ટ..... પણ શેઠ એ મને મંજુર નથી.  કારણ મારે મારા કાંડાની કમાણી પર જીવવુ છે, એ સાથે મારે મારી જવાબદારીને પૂર્ણ કરી પિતૃ -ઋણમાં થી મુકત થવુ છે. '


'શેઠજી, તમને મારી વાત તોછડી લાગી હોય તો મને માફ કરજો. તમે અને તમારી દિકરીએ મને લાયક સમજીને લગ્નનો પ્રસ્તાવ મુકયો છે, તે બદલ હું તમારો કાયમ ઋણી રહીશ. ' કહેતા જ શુભાંગ લાઈબ્રેરી ખંડમાંથી હળવે પગલે બહાર નીકળી મુખ્ય પ્રવેશ દ્વાર જવા લાગ્યો.  


અમુલચંદ્ર, તેની દિકરી અને પત્નિ કોઈ અલગ જ અને ન સમજાય તેવા ભાવથી, જઈ રહેલા શુભાંગને જોતા રહ્યા...



ડો હિતેષ એ. મોઢા

''નિરાંત''____ એક પ્રેમ કથા ............. ડો હિતેષ એ. મોઢા

..


નિઝામપુરા-દિલ્હીથી છુટેલો  ''દેવભુમિ મેઈલ'' કાળુપુર રેલ્વ સ્ટેશને ઉભી રહ્યો.  એક કલાકથી વધારે હોલ્ટ હતો. પગ મોકળો ને કઈક હુંફાળી હવા મળે એવા આશયથી, નિરાંત થાનકી સેકન્ડ એસી કોચમાંથી બહાર નીકળી ફ્લાઈઓવર બ્રીજ ક્રોસ કરી, એક નંબરના પ્લેટફોર્મ તરફ જવા લાગ્યો.  જેવો પ્લેટફોર્મ નંબર એક નો દાદર ઉતરવા લાગ્યો તેવામા એક ચહેરો તેની સામે જ જડાય ગયો,  તે વ્યક્તિ દાદરના છેલ્લા પગથીયે કઠોડા પાસે, પ્લેટફોર્મ પર ઉભી હતી.

કોઈની પ્રતિક્ષા કરતી હોય તેમ ઘડીયાળ તરફ જોવા વળી કે આ બાજુ  તેનાથી ફકત બે પગથીયા દુર ઉભેલ નિરાંત થાનકીનો ચહેરો તેની આંખમાં ........ અને ઉદગાર સરી પડ્યો 'ઓ માય ગોડ, કાન્ટ બીલીવ'......આખરે ૨૧ વર્ષ બાદ મળ્યા તો ખરા ને !! અને એ પણ કેવા મોડ પર !!' 

પ્લેટફોર્મ પરનો કોલાહલથી પર થઈ,  જાણે સમયને આંખોમાં થંભાવીને  પોતાની નજરોથી એકમેકને પીતા રહ્યા; જન્મોની તરસને છીપાવવા. જાણે રણમાં ફુટી નીકળેલા વિરડામાંથી ઉતાવળા ખોબે પીતા હોય તેમ અડધુ પડધુ પાણી હોઠ સુધી તો અડધુ.....

શબ્દો તો કંઠે જ અટકી ગયા હતા. ફકત આંખો જ વાતો કરતી રહી. આંખોમાં ૨૩ વર્ષ પહેલાની તાજગી ડોકાવા લાગી, સ્મરણોનો વરસાદ વરસવા લાગ્યો, અને આંખોની કોર પર ભીનાશની શરુઆત થાય એ પહેલા, એક આધેડ પુરુષ અને તેના બે ટીનેજ સંતાન સાથે ઝડપથી આવ્યો અને કહેવા લાગ્યો 'ચાલ હવે ઝડપથી બ્રીજ ચડ, આપણી ટ્રેન ત્રણ નંબર ઉભી છે ફકત પાંચ મિનિટ જ .......'

નિરાંત મોઢુ ફેરવીને ઉભી ગયો, રખે તે પુરુષ તેને ઓળખી ન જાય, કે ન શંકા જેવુ થાય. 
રેલ્વે સ્ટેશનની બહાર નીકળી ને ''ગીતા'' માં જઈને ચા પીને પોતાના કોચમાં ગોઠવાય ગયો. 

સમય થતા ટ્રેન ધીમે ધીમે ડગ ભરતી ચાલવા માંડી. નિરાંતે ઘડીયાળમાં જોયુ તો ૩-૩૦ થયા હતા, રાતે નવ વાગ્યે તો જામનગર પહોંચી જવાશે. ટ્રેકના ખીસ્સામાંથી સેલ ફોન કાઢી,  ઘરે મેસેજ કર્યો.  અને ધાબળો ઓઢીને લંબાવ્યુ. 

ટ્રેન ગતિ પકડીને રફતારથી દોડવા લાગી, તો આ બાજુ મન ભુતકાળને ચીરવા લાગ્યુ . ચીરતા ચીરતા છેક ૧૯૮૭ની સાલ સુધી પહોંચી ગયુ.  લીમડાલેનમાં આવેલું નાનકડુ ઘર, અને તેમાં તોરણ માફક ઝુલતી દરિદ્રતા, આખુ શહેર વાકેફ હતુ. અને સાક્ષી હતુ, આ ગરીબીનું.  ફ્રંટમાં એક રૂમમાં સાયકલ રીપેરીંગની દુકાન , એ પણ ચાલવી હોય તો ચાલે, અને દુકાન ના એક ખુણામાં આવેલ પલંગ પર ખાંસતો બાપ. અને પછવાડે નાનકડી ઓસરી અને તેમાં તેનુ નાનુ રસોડુ, જેના પર મા રાહ જોઈ બેસતી, કે દિકરો કયારે ૧૦ રૂપિયા કમાયને આપે ને .............


એક સાંધે ને તેર નહિ, પણ અહિં તો તેત્રીસ તૂટે એવી સ્થિતી હતી નિરાંતની.  અગર, જો  જામનગર શહેરને તનતોડ મહેનત પર નામ લખવુ હોય તો,  તે નિરાંતનું નામ લખે.....  નિરાંત ને ક'દી થાક ન લાગતો કે ન તૂટતો, કારણ તેની મહેનત અને હુન્નર પર એક વ્યક્તિને તેના કરતા વધુ વિશ્વાસ હતો. 

એ વિશ્વાસનું નામ છે  ''ઈલા જોષી''. ઈલા નિરાંતના કાકીની ભાણેજ થાય, પણ કાકીએ તો નિરાંતના નામના મનોરથ સેવી લીધા હતા. બન્નેના  પ્રેમના સાક્ષી પણ હતા. લાંબા સમયથી બીમાર રહેતા કાકીની દેખભાળ માટે ઈલા કાકી જોડે જ રહેતી. અને રાતોના ઉજાગરામાં પ્રેમનો ગુલમહોર નિરાંત અને ઈલાની આંખોમાં મહોરી ઉઠયો હતો.  ઉડીને આંખે વળગે તેવી એક ખાસ વાત હતી;  ન તો નિરાંતે ક'દી પહેલ કરી હતી કે ન તો ક'દી ઈલાએ. 

ચુંબન કઈ બલાનું નામ હતુ એનો પણ ખ્યાલ નહોતો. ફકત કાકીના ઘરની મેડી પર લગાતાર છ  છ મહિના સુધીના ગુલાબી જાગરણની પથારીઓ પથરાતી જેમ પારીજાતના ફુલોની.  પ્રેમમાં ક'દી પ્રેમની વાતો ખુટતી હશે?  ક્યારેક શ્વાસોના સ્પર્શથી ઈલાની નાભીમાં સ્પંદનો જરુર વળખાય જતા. 

એક તરફ કારમો સંઘર્ષ અને તેની સામે ઝઝુમવાની  શક્તિ  એટલે ઈલા.  પ્રેમ બે કે ત્રણ  વર્ષનો થયો હશે કે કાકી શ્વાસનો સથવારો છોડી, અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા.  એ પછી પણ લગાતાર બે વર્ષ સુધી નિરાંતને મળવા ઈલા પોરબંદરથી આવતી રહી.

નિરાંત ઉપરથી ગરીબીના વાદળો હટતા નહોતા. ૧૯૯૧માં નિરાંતને એક બિઝનેસની ઓફર આવી પણ ખાટલે મોટી ખોટ કે વર્કીંગ કેપીટલ નામે શુન્ય. આ અરસામાં ઈલા આવી અને નિરાંતના હાથમાં પાંચ તોલા સોનાના દાગીના મૂકયા અને કહ્યુ  'નિરાંત મને વિશ્વાસ છે કે આ ધંધામાં સફળ જ નહિ બલ્કે અબજોપતિ થઈશ. અને આખા શહેરમાં તારુ નામ થશે. '


'પણ ઈલા આ દાગીના ? '  નિરાંતે પૂછ્યુ.  'આ દાગીના મારા છે અને મારા જ લોકરમાંથી ઉપાડીને લાવી છુ, અરે ઘેલા  આ તો તારી પ્રિયતમનો પ્રેમ છે, દિવસે નહિ વધે તેટલો રાતે વધશે... કહેતા જ ઈલાની આંખમાં ભીનાશ તરી વળી. 

રાતના ઉજાગરા બાદ નિરાંતની જીંદગીમાં સોનેરી સવાર આવી. અને પ્રથમ દિવસે દાગીના ગીરેવે મૂકી ને નગદ ઉપાડયા અને ધંધામાં રોકાણ કર્યુ, એક પણ વિધ્ન વિના. અને પછી જોત જોતામાં બે વર્ષમાં તો ટોક ઓફ ટાઉન.........................


દાગીના તો છ મહિનાની અંદર છોડાવી લીધા હતા.  દાગીના પરત કરવા  પોરબંદર ગયો કે વાતનો ભાંડો ફુટી ગયો, અને ....... ., ................, ...............,,,,,......


ત્યાર બાદ ઈલાના પત્રો આવવા શરુ થઈ ગયા.  પત્રમાં નિરાંતને સફળ થવાના અને અતિ શ્રીમંત જોવાના પાઠો ભણાવતી, અને તેવા મનસુબા પણ. 

૧૯૯૩માં ઈલા કોઈના લગ્ન હેતુ જામનગર આવી હતી. અને ટાઉન હોલ પાસે નિરાંતને બોલાવી ને કહ્યુ કે 'નિરાંત આપણે આપણા પ્રેમની આહુતિ આપવી પડશે, કારણ હું મારા મા-બાપને સમજાવવામાં નિષ્ફળ નીવડી છુ.' 'અગર તું કહે તો આજે જ આર્ય સમાજમાં જઈને લગ્ન કરી લઈએ '. 


બપોરે ચાર વાગ્યે આર્ય સમાજે ભેગા થવાનું નક્કી કરીને  બન્ને છુટા પડયા. વિધીની વક્રતા એ કે નિરાંત જેવો ઘરે પહોચ્યો કે તેના મમ્મીને એટેક આવ્યો ને તેને લઈને ઈરવીનમાં દાખલ કરી, બપોર પછીના ચાર વાગ્યા તો ઠીક પણ ચાર ચાર મહિના ઈરવીનમાં પસાર કરવા પડયા, મમ્મીનુ મોટા ભાગનું શરીર પેરેલિસીસનો ભોગ બની ગયુ હતુ. આ અરસામાં ઈલાનો પત્ર આવ્યો. 

નિરાંત 

મમ્મીની ક્ષેમ કુશળતાની ભગવાનને પ્રાર્થના.  મારી સગાઈ આવતા સપ્તાહે  થઈ રહી છે. ઘરમાં હું મોટી હોવાના કારણે મારે આ સ્ટેપ લેવુ પડે તેમ છે મને માફ કરજે. શકય હોય તો મને ભુલી જજે, બપોરે આવેલા સપના માફક. આવતા જન્મે તારી જ બની રહેવા ફરીથી આ ધરા પર અવતરીશ.

ફકત તારી જ 
ઈલા.

નિરાંતનો સમય મધ્યાન ના સૂર્યની જેમ આખા ગુજરાતમા દિપવા લાગ્યો. અને મમ્મીની દેખરેખ માટે આવતી પરિચારીકા સાથે ઘડીયાં લગ્ન કરી લીધા. અને આ વાતને આજે ૨૦ વરસ જેવો સમય.... બે બે સંતાનોનો પિતા.... એસીની ઠંડકમાં પણ આંખો વરસી પડી અને જાણે ધાર થઈ હોય તેમ, આંસુઓ ગાલની યાત્રા કરીને ટી-શર્ટને ભીંજવી ગયા......


ડો હિતેષ એ. મોઢા


મિત્રો આ વાર્તા તદન કાલ્પનિક છે.  રખે, આવા કોઈ પાત્ર મળી આવે તો એક અકસ્માત માત્ર હશે. 







એક ફાલ્ગુન કથા .............ડો હિતેષ એ. મોઢા


દુબઈના 'અલ શુકર' મેગા મોલમાં રોજની માફક વિદેશી સહેલાણીઓની હળવી કહી શકાય તેવી ભીડ હતી. કદાચ મોલની  વિશાળતાના કારણે ભીડ નાનકડી થઈ જતી હશે!!!   ''ડેન્ની પોસે'' શો-રૂમમાંથી બહાર નીકળી એક આધેડ વયનું યુગલ હાથમાં શોપીંગ બેગ્સ લઈને એસ્કેલેટર તરફ ગયું.  

જેવુ એસ્કેલેટર ગ્રાઉંડ ફ્લોર પર તરફ સરકી રહ્યુ હતું,  ત્યારે બાજુના એસ્કેલેટર પર એવડી જ વયનું એક યુગલ ઉપરના માળ તરફ જઈ રહ્યુ હતું. તેવામાં બાજુના યુગલમાંથી એક વ્યક્તિનું ધ્યાન આ યુગલ તરફ વળ્યુ અને આંખોમાં હળવુ અચરજ દર્શાય ન આવે, એ હેતુથી એ વ્યક્તિએ પાંપણને પલકાવી નજરને નીચે સોપાન પર સરકાવી.

ગ્રાઉંડ ફ્લોર પર ઉતરતાંની સાથે  'તમે અહિ ઉભો હું સામેના શો-રૂમમાં લટાર મારીને આવું છું'. કહેતા મહિલા  શોરૂમ તરફ ચાલી .... આ બાજુ, પેલી વ્યક્તિ ગ્લાસની રેલીંગ પકડીને નીચે એકીટશે જોવા લાગી. 

નજરને માળોના  ઉંચ-નીચ ક્યાં નડે છે? સાદા બાફ્તા સુતરાઉના સાઈઝ & શેપલેસ ઝભ્ભા લેંઘામાં સજ્જ, અને તેલથી ચપટ્ટ ઓળેલા વાળ.... અને કાબરચીતરી દાઢી... નજર એ ચહેરાને નીરખતી રહી. અને હ્રદયના તળીયે સમી ગયેલો સાદ નામ બનીને કંઠે આવી ગયો, સાથે જમી ગયેલી ખરાશ પણ.  પરંતુ આ એ જ ?? ક્ષણ ભર માટે બુદ્ધિએ ચમકારો દેખાડયો. 

લાગણી વસંત થઈ મહોરી ઉઠી,ને ટહુકો કર્યો હાં એ પલાશ જ છે, પણ આટલો બદલાવ??? 'હવે તે ૪૫ નો થયો બદલાવ તો હોય ને ? ' 'તો શું થયું? હુ પણ ૪૫ની જ છું અને મારો મિસ્ટર તો ૪૮ નો છે તો પણ ફેશન... ',......., ......., 

મનના પટ્ટ પર કાલ્પનિક સંવાદોની હળવી આપ-લે થઈ આવી. સવાલ કરનાર ને જવાબ આપનાર પણ પોતે. જાણે એક પાત્રીય નાટક.  સંવાદની હારમાળામાં નાટકના અંકો સાથે નૈપથ્ય પણ  બદલાય ગયુ.

અને અતિતના રંગ મંચ પર લઈ ગયુ. છેક ૨૭/૨૮ વર્ષ પહેલા. જાણે પડદો ઉઘડે તેમ દ્ર્શ્યો ઉઘડવા લાગ્યા. પાંચે પાંચ કોલેજના કેમ્પસમાં હાઈ ફેશનેબલ અને વરણાગી યુવાનમાં પલાશનું નામ મોખરે હતું. તેના સોહામણો ચહેરો તો શહેરી ચર્ચાનો વિષય હતો. કહેવાતું કે ઈશ્વરે તેને ફુરસદે ઘડયો છેં. અને ઘડાયા બાદ ખુદ ઈશ્વર તેના રૂપ-રંગથી અંજાઈ ગયો હશે !!!! આથી તેને ઘણુ બધુ આપી દીધુ. 

વાત કરવાની છટ્ટા!!, ભણવામાં અવ્વલ, ફેશનમાં મોખરે. નમ્રતા-વિવેક બુદ્ધિમાં સમજુ પણ શરમાય જાય. હિંમત અને મહેનતમાં અડીખમ, કુશળ તરવૈયો, સ્પોર્ટમાં અનેક વિધ મેડલ્સ.. આવી ઘણી બધી સિદ્ધિઓ તો હાઈસ્કુલ સુધીમાં ....

જોત જોતામાં ગ્રેજ્યુએશન પૂરુ થઈ ગયું, ઘણા વિદ્યાર્થી નજીકના મહાનગરમાં અભ્યાસ કરવા ચાલ્યા ગયા. પલાશનો મુકામ તો આ જ કોલેજમાં હતો. કાયમ વિખરાયેલા વાળ વાળો  પલાશ કોના દિલમાં કાયમી રાત -વાસો કરશે, એ ચુંટણીના પરિણામ જેવી બાબત ગણાતી.....

તમામ કોલેજની મોટા ભાગની સમ-વયસ્ક યુવતિઓ વેલેન્ટાઈન કાર્ડ દ્વારા પ્રેમનો પ્રસ્તાવ  અર્પણ કરી ચુકી હતી. પરંતુ, તમામ હારેલા ઉમેદવારની માફક... આ હારેલાં ઉમેદવારોમાં એક પોતે પણ હતી. પરંતુ પોતે દોસ્તી તરીકે ટેકો જાહેર કરી પલાશની સાથે આગળની ટર્મ પૂરી કરવી એવો નિર્ણય લીધો હતો, રખે, રી-ઈલેકશન થાય અને .......

અને આ તેનું અને ક'દી ક્લાઈમેક્સ સીન બની ન શકયુ. એક સારા દોસ્તમાં હોવા જોઈએ તેનાથી  અનેક ગુણો પલાશમાં મોજુદ હતા.  બ-ખુબી દોસ્તી નીભાવી. અને પીજી બાદ પલાશ કોલેજ છોડી ચાલ્યો ગયો જાણે હવામાં ગાયબ થઈ ગયો. અને મળ્યો તો છેક ૨૭ વર્ષ બાદ ......... 

અતિતના રંગ મંચ પર વર્તમાનનો પડદો પડી ગયો. એક ઉંડા શ્વાસ સાથે સપાટી પર આવેલી ખારાશને દુર કરવાનો યત્ન કર્યો.  તો પણ તાળીઓના ગળગળાટ માફક આંસુઓ ગાલના સુંવાળા માર્ગને પસાર કરીને........... તેવામાં જ એક મૃદુ હાથ તેના ખભે આવ્યો, અને ઝડપથી તંદ્રાને ખાળતા પાછળ જોયું.

પાછળ જોયુ તો તેના મિ. હસબંડ હળવે હળવે સ્મિત વેરવા લાગ્યા અને કહેવા લાગ્યા, 'જેને ચાહતા હોઈએ તે ક'દી મળતા નથી, જે તમને ચાહતા હોઈ તે ક'દી તમને ક્ષણ માટે એકલા (વિષાદી) છોડતા નથી. ' 'હમ' આંસુને લુછતાં લુછતાં  પતિની છાતીમાં બાળક જેવી ઢીકી મારી અને હસી પડી. 

'આજે ૨૭ વર્ષ બાદ મારી ઝાકળની આંખે ઝાકળ બાઝવાનું કારણ જાણી શકુ?' 'હમ'. 'આજે ખાલી હમ્મથી કામ નહિ ચાલે, આજે તો ઝાકળ વાદળ બને તો તેને જીલવા......'
'બસ, બસ, અહિં પણ કાવ્ય રચવા લાગ્યા કે શું? ઝાકળે પ્રશ્ન સાથે મીઠી ટીખળ કરી. 

'સાંભળો, મે તમને પ્રથમ રાત્રીએ મારો નાનકડો ને અડધો અધુરો અતિત કહ્યો હતો, તે અતિતને વર્ષો બાદ જોયો છે' કહેતા ઝાકળે પલાશ તરફ આંગળી ચીંધી. 'અરે વાહ, તો તો આપણે મળવુ જોઈએ, સોરી તારે મળવુ જોઈએ' કહી મિ.હસબંડ યાને ફાલ્ગુને સ્મિત વેર્યુ. 

'જા, નીચે જઈને મળીઆવ', 'પણ'...... 'પણ બણ ને માર ગોળી, અત્યારે મળી  લે.' કહી ફાલ્ગુને હળવો ધક્કો માર્યો. ઝાકળ એક ઈંચ જેટલુ પણ ખસી નહિ ઉલટા ફાલ્ગુનને પડખેથી ભેટીને ઉભી રહી ગઈ. 

ફાલ્ગુને ફિલ્મી અદાકારની ઢબે ઝાકળને ઉંચકીને એસ્કેલેટર સુધી લઈ ગયો, પછી બાકીનું કામ એસ્કેલેટર કરવા લાગ્યુ,  ઝાકળ તેને બાઝીને વળગી રહી હતી આથી પોતે પણ........

'હેલ્લો મિસ્ટર પલાશ', 'હાઈ'.. તમે અને પછી તું અને સાંભરે વિસરેની અડધી મિનિટની વેળા. અને બાજુમાં સામે રહેલા ડકવર્થ કાફેમાં ગોઠવાયા. કોફી અડધી પૂરી થઈ હશે  કે તેવાંમાં  પલાશની પત્નિ આવી, અને પલાશ તેને ઓળખાણ આપવા લાગ્યો, 'મીટ માય કોલેજ ફ્રેન્ડ મિસ્ટર ફાલ્ગુન......ઝટપટ કોફીને ન્યાય આપી, બાય કહી પલાશ પત્નિ જોડે મોલમાં અંતર્ધ્યાન થઈ ગયો...

ઝાકળ ફાલ્ગુન સામે જોવા લાગી, ફાલ્ગુન પણ અનુતર હતો. બન્ને વચ્ચે એક અલગ જ ચુપકીદી છવાય ગઈ.  ફાલ્ગુને ચુપકીદી તોડતા કહ્યુ, 'ઝાકળ મારી ઓળખાણ શા માટે આપવી પડી પલાશને ? કશુ તને સમજાયુ ???  'હાં' ઘણુ બધુ અને  ઘણુ બધુ અધ્યાહારે, પણ તમને કશું સમજાયુ?'

'હાં, શંકાની જીવાતે  મહોરેલી આંબાવાડીને, ટહુકા સમેત બાળી મૂકી છે.'


ડો હિતેષ એ. મોઢા





ઉછેરુ છું------------ડો. હિતેષ એ. મોઢા


સુકી ડાળખી  રોપી ટહુકા ઉછેરુ છું
શહેર વચ્ચે, આમ વગડા ઉછેરુ છુ

જે દિવસથી કોઈએ હોડી બનાવી
બસ તે દિવસથી દરિયા ઉછેરુ છું 

આને જુગાર ના કહી શકાય મિત્રો
ક'દી ન પળાયેલ વાયદા ઉછેરુ છુ

હવે મંઝિલનો અરથ સમજાય જશે
કદમ કહેવા લાગ્યા રસ્તા ઉછેરું છું

રખે,ચહેરા પર લાગીના જાય ડાઘ
આ જ આશયથી આયના ઉછેરુ છું

હોય ભલે સાવ કોરીધાકોર પાંપણ
લઈ કાજળ, થોડા સપના ઉછેરું છું

બીજમાંથી વ્રુક્ષ કે વૃક્ષમાંથી બીજ!
ક્યારેક આવા પણ કોયડા ઉછેરું છું

કંઠે છે તરસ એવી કે જાણે દેવદાસી  
હિતુ હવે દિવાનમાં મૈકદા ઉછેરુ છું 

ડો. હિતેષ એ. મોઢા

વાયરલ થઈ ગયો.....ડો હિતેષ એ. મોઢા


બળબળતી બપોરે, એક ટહુકો વાયરલ થઈ ગયો
નગરને અઢેલો, આખો વગડો વાયરલ થઈ ગયો

પાડુ સાદ કે પોકારુ?મનમાં અવઢવ ચાલતી'તી                 
એ પહેલા તુજ નામનો પડઘો વાયરલ થઈ ગયો 

આજે હવા પણ સુગંધી થઈ ચાલે છે માદક ચાલ
એક છોકરી કહે છે, મુજ ગજરો વાયરલ થઈ ગયો 

આપણે તો યુગો યુગોથી ચાહીએ છીએ એકમેકને
નેટ આયુ એમાં આપણો કિસ્સો વાયરલ થઈ ગયો 

ઉછળે છે કેવાં ઝનુનથી જાણે કાંઠા તોડી નાખશે!
તે પગ જરા બોળ્યો ને દરિયો વાયરલ થઈ ગયો

મંઝિલને બદલે લખ્યુ એક રૂપાળુ નામ જ્યારથી
ત્યારથી જ સફર સમેત રસ્તો વાયરલ થઈ ગયો

અચાનક આવી ગઈ મંદી શણગાર કેરી હાટે હિતુ
કારણ તુજ સાદગીમાં આયનો વાયરલ થઈ ગયો

ડો હિતેષ એ. મોઢા

એક નવી સવાર થાય છે .......ડો હિતેષ એ. મોઢા


બારણુ ઉઘાડવાથી એક નવી સવાર થાય છે 
સપના ઘટાડવાથી એક નવી સવાર થાય છે

ધક્કા મારવાથી દુર થતો હશે ક'દી અંધકાર?
સુરજ ઉગાડવાથી એક નવી સવાર થાય છે. 

એમ બેસી રહેવાથી થતી હશે તીરથ જાત્રા!! 
ચરણ ઉપાડવાથી એક નવી સવાર થાય છે.

પંખીની પાંખમાં બેઠુ ઉડ્યન ફફડતુ ફડફડતુ
ગગન ઉડાવવાથી એક નવી સવાર થાય છે

આ હોવાના વહેમ ટાંગ્યા છે હર એક નગરમાં
ચહેરા ઉતારવાથી એક નવી સવાર થાય છે 

શાવર નીચે સ્નાન તો સાવ સંભવ ઘર ઘરમાં 
અષાઢે પલળવાથી એક નવી સવાર થાય છે 

સુરાહીમાં બંધ હોય તેને મદિરા ન કહેવાય?
અધરે અડાવવાથી એક નવી સવાર થાય છે

ખણો કે પછી ખોદો જખમ તો જખમ રહેવાનાં 
મલમ લગાડવાથી એક નવી સવાર થાય છે 

ચિક્કાર શબ્દો હોવાથી ગઝલ રચાય છે હિતુ?
હ્રદય  ધબકવાથી એક નવી સવાર થાય છે 


ડો હિતેષ એ. મોઢા
લખ્યા દિનાંક ૪-૧૨-૨૦૧૨

















''વચ્ચે''............ડો હિતેષ એ. મોઢા


શહેર આખુ વસતું રહ્યુ છે આવજાવ વચ્ચે 
ક્રમ આખરે કર્મ બને આ પકડ-દાવ વચ્ચે 

દિવાલોના ખાંચામાં ઉગી નીકળુ છું રોજ
જીવન આમ જ વિસ્તરે છે અભાવ વચ્ચે

ભલા,દરિયો ચીતરી ડરાવવા આવ્યો છે? 
મારો તો વસવાટ છે તોફાની નાવ વચ્ચે 

મનને મારવુ કે મન પર વિજય મેળવવો
હું ગૂંચવાય જાઉં છું, આવા સ્વભાવ વચ્ચે 

સપના કેરી પોઠ ભરી સાંઢણી દોડે રણમાં
સફર પૂરી ન થાય એમ ક'દી પડાવ વચ્ચે 

લોકે અદાયગી માની લીધી, તો હું શું કરુ?      
હસવાનું બંધ કરી શકતો નથી ઘાવ વચ્ચે

છેલ્લા પત્રમાં લખ્યુ કે જજે ભુલી મને હિતુ  
ભુલી ના શક્યો જીવનભર એ સુજાવ વચ્ચે 

ડો હિતેષ એ. મોઢા

''વાદળ''----ડો હિતેષ એ. મોઢા


ફાટયુ જ્યાં આખું વાદળ પ્રિયે 
આભે વધેર્યુ જાણે શ્રીફળ પ્રિયે

શબ્દ વિણ નાદ વરસી રહ્યો છે
હવે લખુ ઉર કેરો કાગળ પ્રિયે? 

એક રસ થઈ રહી ધીખતી ધરા
તો શું તળેટી અને શું તળ પ્રિયે

પાનેતર કેરો ગાશે મહિમા હવે 
મુજ અંગ અંગ ફૂટી કુંપળ પ્રિયે

ઝટકાવ ન કેશ કુંતલ ઓ ગોરી
વાયરો થયો બહુ શીતળ પ્રિયે 

હિલ્લોળે ચડયુ, તન-મન આજ
નાભીએ ઘુંટાય છે વમળ પ્રિયે 

હિતુ બેઠો શોધવા નવી ઉપમા 
તુજથી ભીંજે વરસતુ જળ પ્રિયે 


ડો હિતેષ એ. મોઢા




''ના દે''--------ડો હિતેષ એ. મોઢા

બુઝાય ગયેલી ચિંગારીને હવા ના દે 
સુતેલી છે આગ તેને ફરી જગા ના દે

એક સમયે એક જ કામ સારુ લાગે છે 
જખમ આપે છે ત્યારે સાથે દવા ના દે

ના પાડતા શીખ, તેનું પણ સૌદંર્ય છે
મરજી વાળા કે વિનાના બ્હાના ના દે

શમી ગયેલુ નામ માત્ર છે આખરે તો 
છુપાયેલ સાદને ફરીથી પડઘા ના દે

હવા અલ્લડ હતી અને રહેવાની સદા
ભીના ભીના તારા કેશને ગજરા ના દે

ફોનમાં તો સીધે સીધી વાત રજુ કર
પત્ર માફક અલંકાર કેરા ઢગલા ના દે

યારા, મઝધારે ડુબી જવું ગમશે મને 
એ પહેલા, સફરના કોઈ વર્તારા ના દે

તારે રાખવી હોય પ્રિત જગથી છાની
પ્રિયે, ભર બજારે મોઘમ ઈશારા ના દે

તુજ નયન પીવા મળ્યા છે જ્યાં હિતુ
હવે, આ સિવાય બીજા મયકદા ના દે

ડો હિતેષ એ. મોઢા




ઓઢીને ______ડો હિતેષ એ. મોઢા


અરથ માફક વિસ્તાર ઓઢીને 
શબ્દ, આવ્યો આધાર ઓઢીને

ધરવો પડે, ભેખ સતનો સતત
મોતી મળે ન ચમકાર ઓઢીને

અફવા લઈ શોધો તો મળીશ! 
ઘટના ઘટી અખબાર ઓઢીને

અરીસા રાખજો સાબુત યારો
ચહેરા મળશે શણગાર ઓઢીને

એટલે તો ઘાવ આજીવન રહેશે
મિત્રો આવ્યા'તા કટાર ઓઢીને

આખરે, મળ્યુ કારણ લીલાશનું
ઝાડ જીવે સદા ટહુકાર ઓઢીને 

ફરી બેઉ આંખે સપના સજાવ્યા   
ચોર આવશે આંખ ચાર ઓઢીને

ડો હિતેષ એ. મોઢા

'પડે''___ડો હિતેષ એ. મોઢા


આયના, ના ક'દીક ઓછા પડે
બસ, આ ચહેરાઓ બધે બાખડે

એમાં શું છે બેઉ આંખનો વાંક?
હૈયામાં, સુતા સુતા સપના સડે

ન કશું ઉલેચી શકુ, ન ભરી શકુ
હાથમાં તળ વિનાની વાવ જડે

ચપટી ભર ખૂશી કેમ લઈ શકે
લોકો બસ, એમના જ દુઃખ રડે

વાત સમજી શકયા, પવન વડે
ત્યાં તો મહેંકી, સુમન ખરી પડે

ડો હિતેષ એ. મોઢા


લખ્યા દિનાંક-  ૧૧-૦૯-૨૦૦૫

''મળવા આવે છે''_____ડો હિતેષ એ. મોઢા


કોઈ, વાયદા કેરો વિસ્તાર લઈ મળવા આવે છે
કાલનુ પણ તાજુ અખબાર લઈ મળવા આવે છે

અષાઢી મેઘ જેવો હાહાકાર લઈ મળવા આવે છે
સાથે તરસ પણ અનરાધાર લઈ મળવા આવે છે

ઉતરવાનો જ નથી મારી આંખેથી નશો આજીવન
નજર નહિ સૈકા જુનો ખુમાર લઈ મળવા આવે છે

હે પ્રિયે હું તો સદા ઘાયલ થવાની રાહ લઈ બેઠો 
દાંત,નખ ને જીભ જેવી કટાર લઈ મળવા આવે છે 

અમથુ યે, સ્મરણ થઈ આવ્યુ મુજને વસંત ઋતનું 
ત્યાં તો ટહુકાજડીત અલંકાર લઈ મળવા આવે છે

બસ, અહિ જ અટકી જાય છે મારી કલમ ને શબ્દો
હૈયામાં લાગણી કેરો શણગાર લઈ મળવા આવે છે

પ્રેમ કરવા ને હોવી જોઈએ હિંમત જીગરમાં, યારો           
મન થાય છે ત્યારે ભર બજાર લઈ મળવા આવે છે

આમ તો એક જ ઠેકાણુ ને પુરતી છે એક નાની કેડી
છતાં રસ્તા નવલા એક હજાર લઈ મળવા આવે છે 

મારા જેવો પથ્થર થૈ થનગનતો ગાઈ ગીત 'હિતુ'
કોઈ, સંજીવની જેવો ઉપહાર લઈ મળવા આવે છે

ડો હિતેષ એ. મોઢા
26/12/2014

'રસ્તેથી' ___ડો હિતેષ એ. મોઢા


એકદા પાછા ફર્યા'તા વગડેથી
ઘર અટુલુ પડી ગયુ ફળીયેથી

છળવા લાગ્યો રૂપાળો શૃંગાર 
ચહેરા ઉતરતા ગયા આયનેથી  

ભાંગરો વાટી નાખ્યો ભવનો
વાત સમજી ન શક્યા ઈશારેથી 

ન બની શકયો ફુગ્ગો પુરેપુરો 
કોથળી જ્યાં ચીરાય પડખેથી

ખુટ્યો ન પ્રવાસ કદી જીવનનો
મળે ના મંઝિલ, ખોટા રસ્તેથી

તટ પર જઉ તો જઉ કઈ રીતે?  
કોઈ સંભળાય છે હજુ તળીયેથી

વૃક્ષો ચણાય ગયા દિવાલોમાં 
બાગ વર્તાયો તુટેલા બાકડેથી 

સૂરા મને પી ગયો, સાંજ ઉમેરી
કોઈની, તરસ છીપી મયકદેથી 

રક્તમાં છે ખારાશ હજુ ભી હિતુ 
અમથુ કોઈ આવ્યુ હતુ દરિયેથી 


ડો હિતેષ એ. મોઢા
10/01/2015

'વિના''_____ડો હિતેષ એ. મોઢા



પડે ન ક'દી પડઘો કદી સાદ વિના 
થાય ન ધરા ભીની વરસાદ વિના

શબ્દો હોવા છતાં, અરથો ન મળ્યા 
મૌન રહેવું પડયુ કશા સંવાદ વિના

લખતો આવ્યો છું,ને લખતો રહીશ
કવિતા રચાય છે કાયમ દાદ વિના

ચાંદ સિવાય બીજુ કોઈ કારણ હશે! 
કારણ, પોયણુ ન સુકાય ચાંદ વિના

ખટકો કે હોય ચટકો, જીરવાતું નથી
આ જાતને ચાલે છે ફરીયાદ વિના?

મિનારા પર ચડીને કહુ,I love you
ભલા ઈશ્ક હોય ક'દી ઉન્માદ વિના 

ફળની આશા રાખવી વાજબી નથી
બતાવો ક્યાં ઉગે છે ઝાડ પાંદ વિના 

હિતુ ફુલ જેવા જીવનને ચુકયો વરી
જેને ઝાકળ ચુમે કશા વિવાદ વિના


ડો હિતેષ એ. મોઢા
17/01/2015

''વાસંતી''_____ડો હિતેષ એ. મોઢા


મદ મસ્ત થઈ વાયો, પોલો પવન વાસંતી
ફુલ ફુલ પર ઝાકળ ગાઈ છે કવન વાસંતી

શાને લખુ લાભ શુભ જેવા શબ્દો દ્રાર પર?  
જ્યાં આંગણ મ્હોરી ઉઠયુ લૈ સવન વાસંતી

ટહુકા શરણાઈ થઈ,  ફુટી માંજર ડાળે ડાળે
બની આંબાવડી હ્રદય કરે રે નર્તન વાસંતી 

તુજ પાલવ ખસ્યો કે ફેલાય ગયો ગરમાળો
ગોરી, સોનેરી છાંયા જેવા છે કલ્પન વાંસતી

ટેરવાંએ ઓઢયુ લીલું પાનેતર જાણે નવોઢા
તારો સ્પર્શ એટલે દુલ્હાનું આગમન વાસંતી

મારી તરસ છીપાય ને ગુલમહોર થઈ ગઈ!
તુજ રતુંબડા હોઠેથી છલકયુ ચુંબન વાસંતી

આસવના ઘડા ભરીને આવ્યો ઉત્સવ 'હિતુ' 
આજે જામને બદલે લેજો આચમન વાસંતી 

ડો હિતેષ એ. મોઢા
25/01/2015

દર વર્ષની માફક એક વાસંતી રચના....


''__________'' ને સાર્પણ

કરીએ___ડો હિતેષ એ. મોઢા


એક વાર દર્પણની નકલ કરીએ
જે દેખાય,  તેને જ અસલ કરીએ 

ઋષિ બની ત્વચાએ કોતરુ પ્રકૃતિ 
આમ, સંવેદનો ને વલ્કલ કરીએ 

સપના મુકત જેવો ધારો લાવવા
હે આંખ, અત્યારથી અમલ કરીએ? 

કોઈ વીંટી લઈને આવી પહોંચશે
જે કઈ બચ્યુ તેનું મલમલ કરીએ 

તમે બતાવો કોઈ ઈલાજ મુજને
છું છીછરો,  કેમ છલોછલ કરીએ?

ધોવા બેઠો છું, ચાદર જીવતરની
હતી પહેલા, તેવી વિમલ કરીએ

આ ઝંખના ખતમ થઈ જશે 'હિતુ'
બસ સૌ પહેલા હું નું કતલ કરીએ 

ડો હિતેષ એ. મોઢા 

૩૦/૦૧/૨૦૧૫


" વગડો" (ગઝલ) --ડો.હિતેષ મોઢા


પાંસળીએ પાંસળીએ લીલાછમ્મ ટહુકા હતા.
કાળમીંઢી કોતરે ઘુઘવતા મૌનના પડઘા હતા. 

બંધ-બારણે દસ્તક દેતા રહ્યા સ્મરાણો બધા,
નામ વગરના સરનામા અડધા, અધુરા હતા. 

એક દિવસ સપનુ જોયુ કે અમે નકાબ બન્યા,
દરેક નકાબ સુધી જોયુ તો નક્લી ચહેરા હતા.
  
ઊમટયુ'તુ શ્વાસમાં ગામ સહિત આખુ પાદર,
મીઠા કલશોર વચ્ચે ખાલીખમ્મ વગડા હતા.

અમને બેઉ ચહેરા એક જેવા જ લાગ્યા યારો,
એક હથેળીમાં છળ, બીજી હથેળીમાં ખુદા હતા. 

બે-ચાર કકડા બરફ નાખી, સુરજને પી ગયા,
તોયે અંધ મધુશાળામાં થોડા ઘણા તડ્કા હતા. 

'હિતુ', આંખોથી જ રસપાન કરી શકયા કેવળ,
ન માણ્યા ક્દી, કિસ્સા જીવનના રજસ્વલા હતા.

ડો.હિતેષ મોઢા

મારી આ ગઝલ બર્ડાઇ-જ્યોત ડિસેમ્બર ૧૯૯૭ માં પ્રકાશિત થઇ છે.

પછીની વાત છે.' --- ડો. હિતેષ એ. મોઢા


સાંભળો દિવસ આખો બળ્યા પછીની વાત છે.
અમાષે, એક સુરજ ઢળ્યા પછીની વાત છે.

આ ગામમાં યાદોનું ઘર શોધવુ અશક્ય છે,
અતંરમાં થોડી જગા આપ્યા પછીની વાત છે.

થઈ ગયા ટૂકડા હજાર ઝીલ્યા બીંબ ના,
દિવાલોમાં આયના જડ્યા પછીની વાત છે.

તરફ્ડ્યા કરે છે, બેઉ પાંખો ઉડ્ડયન ખાતર,
ગોફણથી એક પથ્થર છૂટ્યા પછીની વાત છે.

શાને જામી છે ભીડ ચકચૂર મયખાનાએ,
ઘા કૈક સોંસરવા લાગ્યા પછીની વાત છે.

ના પૂછ ગઝલ કેમ લખાય જાય છે "હિતુ",
કાફિયા બે-ચાર યાદ આવ્યા પછીની વાત છે.

મારી આ ગઝલ ડીસેમ્બર-૧૯૯૬ માં "બર્ડાઈ-જ્યોત" માં
પ્રકાશિત થઇ છે.

// મંગલાચરણ//


દિનાંક ૧૫-૨-૨૦૧૫ રવિવાર....

ઈન્ટરનેટની દુનિયામાં છેલ્લા ૭ વર્ષથી સક્રિય હોવાનો દાવો કરતો રહ્યો છું, આમ તો એફસબૂક જેવી સોશ્યલ સાઈટ પર મારી સ્વરચિત રચનાઓ, અને અનેકવિધ નિબંધ, શોંધ-સંશોધન ની લેખ માળાઓ નિયમ સમયે પ્રગટ કરતો રહ્યો છું.

ઈન્ટરનેટ દ્વારા થયેલા મારા મોંઘેરા મિત્રોની એક મીઠી ફરીયાદ કાયમ રહેતી, કે તમે તમારો બ્લોગ બનાવો, અને તેમાં જ તમારી રચનાઓ પોસ્ટ કરો. ત્યાર બાદ તેની લીન્ક એફસબૂક કે ગુગલ પ્લસ પર શેર કરો.

આળસ ખંખેરી તો છે, છતાં આપનો સહકાર મારા માટે પ્રેરક બની રહેશે, અને કલમ ચાલવાને બદલે દોડવા પણ મંડી શકે!!!!!!

આપના પ્રતિભાવ આવકાર્ય છે.

ડો હિતેષ એ. મોઢા