નિઝામપુરા-દિલ્હીથી છુટેલો ''દેવભુમિ મેઈલ'' કાળુપુર રેલ્વ સ્ટેશને ઉભી રહ્યો. એક કલાકથી વધારે હોલ્ટ હતો. પગ મોકળો ને કઈક હુંફાળી હવા મળે એવા આશયથી, નિરાંત થાનકી સેકન્ડ એસી કોચમાંથી બહાર નીકળી ફ્લાઈઓવર બ્રીજ ક્રોસ કરી, એક નંબરના પ્લેટફોર્મ તરફ જવા લાગ્યો. જેવો પ્લેટફોર્મ નંબર એક નો દાદર ઉતરવા લાગ્યો તેવામા એક ચહેરો તેની સામે જ જડાય ગયો, તે વ્યક્તિ દાદરના છેલ્લા પગથીયે કઠોડા પાસે, પ્લેટફોર્મ પર ઉભી હતી.
કોઈની પ્રતિક્ષા કરતી હોય તેમ ઘડીયાળ તરફ જોવા વળી કે આ બાજુ તેનાથી ફકત બે પગથીયા દુર ઉભેલ નિરાંત થાનકીનો ચહેરો તેની આંખમાં ........ અને ઉદગાર સરી પડ્યો 'ઓ માય ગોડ, કાન્ટ બીલીવ'......આખરે ૨૧ વર્ષ બાદ મળ્યા તો ખરા ને !! અને એ પણ કેવા મોડ પર !!'
પ્લેટફોર્મ પરનો કોલાહલથી પર થઈ, જાણે સમયને આંખોમાં થંભાવીને પોતાની નજરોથી એકમેકને પીતા રહ્યા; જન્મોની તરસને છીપાવવા. જાણે રણમાં ફુટી નીકળેલા વિરડામાંથી ઉતાવળા ખોબે પીતા હોય તેમ અડધુ પડધુ પાણી હોઠ સુધી તો અડધુ.....
શબ્દો તો કંઠે જ અટકી ગયા હતા. ફકત આંખો જ વાતો કરતી રહી. આંખોમાં ૨૩ વર્ષ પહેલાની તાજગી ડોકાવા લાગી, સ્મરણોનો વરસાદ વરસવા લાગ્યો, અને આંખોની કોર પર ભીનાશની શરુઆત થાય એ પહેલા, એક આધેડ પુરુષ અને તેના બે ટીનેજ સંતાન સાથે ઝડપથી આવ્યો અને કહેવા લાગ્યો 'ચાલ હવે ઝડપથી બ્રીજ ચડ, આપણી ટ્રેન ત્રણ નંબર ઉભી છે ફકત પાંચ મિનિટ જ .......'
નિરાંત મોઢુ ફેરવીને ઉભી ગયો, રખે તે પુરુષ તેને ઓળખી ન જાય, કે ન શંકા જેવુ થાય.
રેલ્વે સ્ટેશનની બહાર નીકળી ને ''ગીતા'' માં જઈને ચા પીને પોતાના કોચમાં ગોઠવાય ગયો.
સમય થતા ટ્રેન ધીમે ધીમે ડગ ભરતી ચાલવા માંડી. નિરાંતે ઘડીયાળમાં જોયુ તો ૩-૩૦ થયા હતા, રાતે નવ વાગ્યે તો જામનગર પહોંચી જવાશે. ટ્રેકના ખીસ્સામાંથી સેલ ફોન કાઢી, ઘરે મેસેજ કર્યો. અને ધાબળો ઓઢીને લંબાવ્યુ.
ટ્રેન ગતિ પકડીને રફતારથી દોડવા લાગી, તો આ બાજુ મન ભુતકાળને ચીરવા લાગ્યુ . ચીરતા ચીરતા છેક ૧૯૮૭ની સાલ સુધી પહોંચી ગયુ. લીમડાલેનમાં આવેલું નાનકડુ ઘર, અને તેમાં તોરણ માફક ઝુલતી દરિદ્રતા, આખુ શહેર વાકેફ હતુ. અને સાક્ષી હતુ, આ ગરીબીનું. ફ્રંટમાં એક રૂમમાં સાયકલ રીપેરીંગની દુકાન , એ પણ ચાલવી હોય તો ચાલે, અને દુકાન ના એક ખુણામાં આવેલ પલંગ પર ખાંસતો બાપ. અને પછવાડે નાનકડી ઓસરી અને તેમાં તેનુ નાનુ રસોડુ, જેના પર મા રાહ જોઈ બેસતી, કે દિકરો કયારે ૧૦ રૂપિયા કમાયને આપે ને .............
એક સાંધે ને તેર નહિ, પણ અહિં તો તેત્રીસ તૂટે એવી સ્થિતી હતી નિરાંતની. અગર, જો જામનગર શહેરને તનતોડ મહેનત પર નામ લખવુ હોય તો, તે નિરાંતનું નામ લખે..... નિરાંત ને ક'દી થાક ન લાગતો કે ન તૂટતો, કારણ તેની મહેનત અને હુન્નર પર એક વ્યક્તિને તેના કરતા વધુ વિશ્વાસ હતો.
એ વિશ્વાસનું નામ છે ''ઈલા જોષી''. ઈલા નિરાંતના કાકીની ભાણેજ થાય, પણ કાકીએ તો નિરાંતના નામના મનોરથ સેવી લીધા હતા. બન્નેના પ્રેમના સાક્ષી પણ હતા. લાંબા સમયથી બીમાર રહેતા કાકીની દેખભાળ માટે ઈલા કાકી જોડે જ રહેતી. અને રાતોના ઉજાગરામાં પ્રેમનો ગુલમહોર નિરાંત અને ઈલાની આંખોમાં મહોરી ઉઠયો હતો. ઉડીને આંખે વળગે તેવી એક ખાસ વાત હતી; ન તો નિરાંતે ક'દી પહેલ કરી હતી કે ન તો ક'દી ઈલાએ.
ચુંબન કઈ બલાનું નામ હતુ એનો પણ ખ્યાલ નહોતો. ફકત કાકીના ઘરની મેડી પર લગાતાર છ છ મહિના સુધીના ગુલાબી જાગરણની પથારીઓ પથરાતી જેમ પારીજાતના ફુલોની. પ્રેમમાં ક'દી પ્રેમની વાતો ખુટતી હશે? ક્યારેક શ્વાસોના સ્પર્શથી ઈલાની નાભીમાં સ્પંદનો જરુર વળખાય જતા.
એક તરફ કારમો સંઘર્ષ અને તેની સામે ઝઝુમવાની શક્તિ એટલે ઈલા. પ્રેમ બે કે ત્રણ વર્ષનો થયો હશે કે કાકી શ્વાસનો સથવારો છોડી, અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. એ પછી પણ લગાતાર બે વર્ષ સુધી નિરાંતને મળવા ઈલા પોરબંદરથી આવતી રહી.
નિરાંત ઉપરથી ગરીબીના વાદળો હટતા નહોતા. ૧૯૯૧માં નિરાંતને એક બિઝનેસની ઓફર આવી પણ ખાટલે મોટી ખોટ કે વર્કીંગ કેપીટલ નામે શુન્ય. આ અરસામાં ઈલા આવી અને નિરાંતના હાથમાં પાંચ તોલા સોનાના દાગીના મૂકયા અને કહ્યુ 'નિરાંત મને વિશ્વાસ છે કે આ ધંધામાં સફળ જ નહિ બલ્કે અબજોપતિ થઈશ. અને આખા શહેરમાં તારુ નામ થશે. '
'પણ ઈલા આ દાગીના ? ' નિરાંતે પૂછ્યુ. 'આ દાગીના મારા છે અને મારા જ લોકરમાંથી ઉપાડીને લાવી છુ, અરે ઘેલા આ તો તારી પ્રિયતમનો પ્રેમ છે, દિવસે નહિ વધે તેટલો રાતે વધશે... કહેતા જ ઈલાની આંખમાં ભીનાશ તરી વળી.
રાતના ઉજાગરા બાદ નિરાંતની જીંદગીમાં સોનેરી સવાર આવી. અને પ્રથમ દિવસે દાગીના ગીરેવે મૂકી ને નગદ ઉપાડયા અને ધંધામાં રોકાણ કર્યુ, એક પણ વિધ્ન વિના. અને પછી જોત જોતામાં બે વર્ષમાં તો ટોક ઓફ ટાઉન.........................
દાગીના તો છ મહિનાની અંદર છોડાવી લીધા હતા. દાગીના પરત કરવા પોરબંદર ગયો કે વાતનો ભાંડો ફુટી ગયો, અને ....... ., ................, ...............,,,,,......
ત્યાર બાદ ઈલાના પત્રો આવવા શરુ થઈ ગયા. પત્રમાં નિરાંતને સફળ થવાના અને અતિ શ્રીમંત જોવાના પાઠો ભણાવતી, અને તેવા મનસુબા પણ.
૧૯૯૩માં ઈલા કોઈના લગ્ન હેતુ જામનગર આવી હતી. અને ટાઉન હોલ પાસે નિરાંતને બોલાવી ને કહ્યુ કે 'નિરાંત આપણે આપણા પ્રેમની આહુતિ આપવી પડશે, કારણ હું મારા મા-બાપને સમજાવવામાં નિષ્ફળ નીવડી છુ.' 'અગર તું કહે તો આજે જ આર્ય સમાજમાં જઈને લગ્ન કરી લઈએ '.
બપોરે ચાર વાગ્યે આર્ય સમાજે ભેગા થવાનું નક્કી કરીને બન્ને છુટા પડયા. વિધીની વક્રતા એ કે નિરાંત જેવો ઘરે પહોચ્યો કે તેના મમ્મીને એટેક આવ્યો ને તેને લઈને ઈરવીનમાં દાખલ કરી, બપોર પછીના ચાર વાગ્યા તો ઠીક પણ ચાર ચાર મહિના ઈરવીનમાં પસાર કરવા પડયા, મમ્મીનુ મોટા ભાગનું શરીર પેરેલિસીસનો ભોગ બની ગયુ હતુ. આ અરસામાં ઈલાનો પત્ર આવ્યો.
નિરાંત
મમ્મીની ક્ષેમ કુશળતાની ભગવાનને પ્રાર્થના. મારી સગાઈ આવતા સપ્તાહે થઈ રહી છે. ઘરમાં હું મોટી હોવાના કારણે મારે આ સ્ટેપ લેવુ પડે તેમ છે મને માફ કરજે. શકય હોય તો મને ભુલી જજે, બપોરે આવેલા સપના માફક. આવતા જન્મે તારી જ બની રહેવા ફરીથી આ ધરા પર અવતરીશ.
ફકત તારી જ
ઈલા.
નિરાંતનો સમય મધ્યાન ના સૂર્યની જેમ આખા ગુજરાતમા દિપવા લાગ્યો. અને મમ્મીની દેખરેખ માટે આવતી પરિચારીકા સાથે ઘડીયાં લગ્ન કરી લીધા. અને આ વાતને આજે ૨૦ વરસ જેવો સમય.... બે બે સંતાનોનો પિતા.... એસીની ઠંડકમાં પણ આંખો વરસી પડી અને જાણે ધાર થઈ હોય તેમ, આંસુઓ ગાલની યાત્રા કરીને ટી-શર્ટને ભીંજવી ગયા......
ડો હિતેષ એ. મોઢા
(મિત્રો આ વાર્તા તદન કાલ્પનિક છે. રખે, આવા કોઈ પાત્ર મળી આવે તો એક અકસ્માત માત્ર હશે.)
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com