ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ઘરવખરી ખરીદતા ખરીદતા, લેડીઝ સેગમેન્ટ તરફ ટ્રોલી વળી, સૌંદર્ય પ્રસાધન અને શેમ્પુ, ડિઓ અને સાબુઓની મિશ્ર સુંગંધનો જાણે મહેરામણ એસીની ઠંડી હવા બની ઉભરાયો તેવુ થોડી વાર માટે લાગ્યુ.... ટ્રોલીને ધક્કો મારતા છેક ખુણાના રેક્સ તરફ અટકી ને જોયુ તો વિવિધ કંપનીના સેનેટરી નેપકીન્સના પેકેટ વ્યવસ્થિત પણે ગોઠવેલા હતા, કેટલીક મહિલા એ પેકેટ ટ્રોલીમાં મુકતી હતી, ''આજની નારી-યુવતિ કેટલી સ્વતંત્રતા માણે છે!!!!'' મનો સંવાદનો પડઘો છેક અંતર મનમાં આવેલ સાતમા પાતાળમાં જઈ સ્મરણો બની ખુબ જ તરલતાથી મનની સપાટી પર તરવા લાગ્યો!!! સાથે કેટલી બધી યાદો ઉભરી આવી, થોડી વાર ઉમંરના અનેક પડાવો યાદ બની મન ચક્ષુ સમક્ષ દ્ર્શ્યમાન થઈ સંવાદ બોલવા લાગ્યા હોય તેવુ તેના સુન્ન મન અને બધીર બનેલા કર્ણ પટલ પર અથડાવા માંડયા.
દ્રશ્ય --૧, યાદ છે આજે કેટલી તારીખ થઈ છે? ટાઈમમાં થા એટલે સ્કુલે થી ઘરે સીધી આવજે, અથવા આ કાપડનો વિંટો દફતરમાં રાખજે, રીસેશમાં..... એ સમયે આટ આટલા નેપકીન્સ ક્યાં હતા. મા દર મહિને વકીલ અને ઈન્સ્પેકટર બની જતી આ ચાર દિવસ તો...
દ્રશ્ય ---૨ કોલેજનું પ્રથમ વર્ષ જ હતુ, અને માહવારી વધુ આવતા, માએ ગાંધીની દુકાનેથી નાગકેસર વાટીને પીવડાવ્યુ હતુ... કેટલી શરમ લાગી હતી........ સરકારી દવાખાનામાં એક મેડીકલ ઓફિસર ઉપરાંત ટ્રેઈન્ડ નર્સ જ હતી, ગાયનેકોલોજીસ્ટ તો દુરની વાત હતી.....
દ્રશ્ય ---૩ લગ્ન થયાની રાતે ટાઈડી પતિ એ માહવારીની તારીખ પૂછી લીધી... સાસુ પણ એટલી જ ચાંપતી નજર રાખતી, કેટલુ ભદ્દુ લાગતુ હતુ, લગ્ન ના બીજા વર્ષે તો સાસુ સીધુ પૂછી લેતી કે ડાઘ થયો છે કે ......... અને આ સમયે જાનવર જેવો વ્યવહાર થતો હતો, મરી પરવારેલ કોથળા પર સુવાનુ અને ગોબારી થાળીમાં જમવાનુ, સાસુ અને જેઠાણી જાનવરને રોટલી ફેંકતા હોય તેમ ....... અને હર મહિને સાસુ પોતાના પતિને કહેતી કે તારી વહુ ટાઈમમાં થવી ના જોઈએ....
દ્રશ્ય ---૪ લગ્નને પાંચ વર્ષ થયા, સાસુ અને સંબધીઓનો સંવાદ કાને અફળાતો, મૂઈ કેવી છે? ખબર નથી પડતી, સાXXXX મહિને પાંચ પાંચ દિવસ સુધી ગાભા મેલા કરે છે પણ લોહીનો એક પિંડ બાંધી શકતી નથી......
દ્રશ્ય --૫ શહેરની પ્રખ્યાત હોસ્પીટલ.... તમામ મેડીકલ પરિક્ષણ થયા એક સપ્તાહ બાદ રીપોર્ટ આવ્યો, કાઉન્ટ નીલ .... વર્ષો બાદ એ જ દ્રશ્ય એન્ડોક્રાઈનોલોજીસ્ટને ત્યાં ભજવાયું, નવા નવા શોધાયેલ હોર્મોન્સ રીપોર્ટ.... પણ જવાબમાં તો પૃથ્વી જેવડું જ શુન્ય.....
દ્રશ્ય --૬ મા તારી વહુ ને આજે મહિના માથે દસ દહાડા થયા તોયે...???? મૂઈ છપ્પર પગી ક્યાંક બીજે તો સા.... રાંXXXXXXXX છીXXXXXXXX.... આરોપીનુ પાંજરુ જાણે અગ્નિ પરીક્ષાની તૈયારી.... નજદીકી સંબંધીની દરમ્યાન ગીરીથી મોકુફ રહ્યુ અને બીજે દિવસે ગાયનેકોલોજીસ્ટને ત્યાં ... તમામ પરિક્ષણો થયા, રીપોર્ટ ફેલોપીયન ટ્યુબમાં ઈન્ફેક્શન લાગવાથી મેન્સીસ ડિલે...
દ્રશ્ય --૭ પતિ નામના માણસે આખરે હાર સાથે સત્યની સ્વીકૃતિ કરી, અને આઝાદ થવા માટે... પણ ના ભવમાં ભવ નથી કરવો, પણ એક શરતે અલગ રહેવા ચાલ્યા જઈએતો.. શરત મંજુર થઈ...... .
દ્રશ્ય --૮ લોહીના વહેવાનાં સંબંધમાં પિડની બાદબાકી થઈ અને લાગણીની સરવાણીઓ ફુટી નીકળી જાણે હ્રદયની તમામ દિવાલમાંથી ધોધ... જેમ રજ્સ્વલાના દિવસે.....
દ્રશ્ય --૯ હવે તો વાળને મહેંદીથી લાલ કરતી થઈ ગઈ હતી !!!! સ્મરણમાં સ્મરણ ઉભરી આવતુ હાશ, હવે કુદરતી લાલાશ તો ગઈ !!! ૨૫ વર્ષ સુધી કેદમાં રહી, લોહીના અસ્તિત્વ સાથે ઝઝુમતી રહી , હાં ઝઝુમતી જ રહી, કેટલા દિવસો ??? આશરે ૧૨૫૦ દિવસો ?? શું મારી જેમ દરેક સ્ત્રી આમ જ ...????
બીલીંગ મશીન ખડખડખડ અવાજે તંદ્રા તોડી. મેડમ, 'બારસો પચાસ'.... મને મનમાં મજાક કરી બારસો પચાસ કે બહાર શો પચાસ, હાં હવેતો પચાસ પૂરા થવા આવ્યા છે.
ડો. હિતેષ એ. મોઢા
મારા મોંઘેરા મિત્રો, ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારના વિષય પર સાવ નહિવત કહી શકાય એટલી જ વાર્તા રચાય છે, મે આ વિષય પર પ્રથમ વાર કલમ ચલાવી છે, આપના પ્રતિભાવ આવકાર્ય છે અને ગમશે પણ.
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
No comments:
Post a Comment