શહેર આખુ વસતું રહ્યુ છે આવજાવ વચ્ચે
ક્રમ આખરે કર્મ બને આ પકડ-દાવ વચ્ચે
દિવાલોના ખાંચામાં ઉગી નીકળુ છું રોજ
જીવન આમ જ વિસ્તરે છે અભાવ વચ્ચે
ભલા,દરિયો ચીતરી ડરાવવા આવ્યો છે?
મારો તો વસવાટ છે તોફાની નાવ વચ્ચે
મનને મારવુ કે મન પર વિજય મેળવવો
હું ગૂંચવાય જાઉં છું, આવા સ્વભાવ વચ્ચે
સપના કેરી પોઠ ભરી સાંઢણી દોડે રણમાં
સફર પૂરી ન થાય એમ ક'દી પડાવ વચ્ચે
લોકે અદાયગી માની લીધી, તો હું શું કરુ?
હસવાનું બંધ કરી શકતો નથી ઘાવ વચ્ચે
છેલ્લા પત્રમાં લખ્યુ કે જજે ભુલી મને હિતુ
ભુલી ના શક્યો જીવનભર એ સુજાવ વચ્ચે
ડો હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment