Sunday, February 15, 2015

''ના દે''--------ડો હિતેષ એ. મોઢા

બુઝાય ગયેલી ચિંગારીને હવા ના દે 
સુતેલી છે આગ તેને ફરી જગા ના દે

એક સમયે એક જ કામ સારુ લાગે છે 
જખમ આપે છે ત્યારે સાથે દવા ના દે

ના પાડતા શીખ, તેનું પણ સૌદંર્ય છે
મરજી વાળા કે વિનાના બ્હાના ના દે

શમી ગયેલુ નામ માત્ર છે આખરે તો 
છુપાયેલ સાદને ફરીથી પડઘા ના દે

હવા અલ્લડ હતી અને રહેવાની સદા
ભીના ભીના તારા કેશને ગજરા ના દે

ફોનમાં તો સીધે સીધી વાત રજુ કર
પત્ર માફક અલંકાર કેરા ઢગલા ના દે

યારા, મઝધારે ડુબી જવું ગમશે મને 
એ પહેલા, સફરના કોઈ વર્તારા ના દે

તારે રાખવી હોય પ્રિત જગથી છાની
પ્રિયે, ભર બજારે મોઘમ ઈશારા ના દે

તુજ નયન પીવા મળ્યા છે જ્યાં હિતુ
હવે, આ સિવાય બીજા મયકદા ના દે

ડો હિતેષ એ. મોઢા




No comments:

Post a Comment