Sunday, February 15, 2015

વાયરલ થઈ ગયો.....ડો હિતેષ એ. મોઢા


બળબળતી બપોરે, એક ટહુકો વાયરલ થઈ ગયો
નગરને અઢેલો, આખો વગડો વાયરલ થઈ ગયો

પાડુ સાદ કે પોકારુ?મનમાં અવઢવ ચાલતી'તી                 
એ પહેલા તુજ નામનો પડઘો વાયરલ થઈ ગયો 

આજે હવા પણ સુગંધી થઈ ચાલે છે માદક ચાલ
એક છોકરી કહે છે, મુજ ગજરો વાયરલ થઈ ગયો 

આપણે તો યુગો યુગોથી ચાહીએ છીએ એકમેકને
નેટ આયુ એમાં આપણો કિસ્સો વાયરલ થઈ ગયો 

ઉછળે છે કેવાં ઝનુનથી જાણે કાંઠા તોડી નાખશે!
તે પગ જરા બોળ્યો ને દરિયો વાયરલ થઈ ગયો

મંઝિલને બદલે લખ્યુ એક રૂપાળુ નામ જ્યારથી
ત્યારથી જ સફર સમેત રસ્તો વાયરલ થઈ ગયો

અચાનક આવી ગઈ મંદી શણગાર કેરી હાટે હિતુ
કારણ તુજ સાદગીમાં આયનો વાયરલ થઈ ગયો

ડો હિતેષ એ. મોઢા

No comments:

Post a Comment