Sunday, February 15, 2015

એક શુભાંગ કથા .............ડો હિતેષ એ. મોઢા



આંખ સમક્ષ બનેલા કેટલાક પ્રસંગો-અવસરો વારંવાર પાંપણની સપાટી પર આવી જતા હોય છે, અને કશા જ સંદર્ભ કે આયાસ વિના. આવો જ એક પ્રસંગ આજે વાર્તા રૂપે રજુ કરવાની કોશિશ કરુ છું.

૭૦૦૦ ફુટના સ્પેશ્યિસ  કાર્પેટ ધરાવતા સૌરાષ્ટ્રીય બાંધણીથી સજ્જ એવા બેઠા ઘાટના બંગલાના દિવાન ખંડમાં એક દ્ર્શ્ય રજુ થયુ, શેઠાણી શાંતિ બહેન તેમનાં પતિ ને કહેવા લાગ્યા, '' 'સાંભળો છો આપણી 'હેમાંગી' એ સત્યાવીશ પૂરા કર્યા તેને પણ આજે પાંચ મહિના થવા લાગ્યા, ......., .........,'',  'મને ખબર છે પરંતુ હેમી ને એક પણ મુરતિયો પસંદ જ નથી આવતો તો આપણે શું કરવાનું ??'' કહી શેઠશ્રી અમુલખચંદ્ર સંઘવીએ શેઠાણી તરફ જોયું.

પેઢીઓથી ખાનદાની ને સમૃદ્ધિને વરેલ અમુલખચંદ્રનો ખ્યાતિ-ગઢ શહેરને ફરતે જ નહિ, દેશ-વિદેશ સુધી વિસ્તાર પામેલ. બંગલામાં  ગ્રુહ-કર્મીઓની ફોજ હોવા છતાં દીવાન-ખંડમાં જ  શેઠ-શેઠાણી આવી અંગત અને નાજુક વાત કરતા.

દેશી-વિદેશી કારોની લગાર હોવા છતાં, હેમાંગી રોજની માફક સ્કુટર લઈને જ શહેરમાં કશાક ઘરેલુ કામ હેતુ બહાર નીકળી હતી.  શેઠ તેની રાહ જોતા દીવાન ખંડમાં બેસી રહ્યા. 

સાંજના ૭ વાગ્યે, હેમાંગી ઘરે આવી કે શેઠે તેને દીવાન ખંડમાં બોલાવી અને પૂછ્યુ, 'બેટા તે આટ -આટલા મુરતિયાઓની ના-પસંદ કર્યા છે, તો તારી પસંદનો કોઈ મુરતિયો હોય તો મને કહે, હું તેને પણ અપનાવવા તૈયાર છું.'

'પપ્પા મારા ધ્યાનમાં એક યુવક છે, જે મને ગમે છે, મારે ઘણી વાર તેની જોડે વાત પણ થઈ છે, અને કોલેજમાં એસવાય સુધી મારી જોડે ભણતો હતો.' કહી હેમાંગી એ સોફા પર બેસી ગઈ. 

'દિકરા એ યુવકનું નામ સરનામું તો આપ'.  'પપ્પા તમે તો તેને ઘણી મળી ચુક્યા છો અને ઓળખો પણ છો', તેનું પારસી અગિયારીની પાસે નાનકડું એક ગેરેજ છે.' તેનું નામ શુભાંગ છે પપ્પા' આટલુ કહી હેમાંગી તેના બેડરૂમ તરફ જવા લાગી. 

અડધા કલાક બાદ, લાઈબ્રેરીમાં શુભાંગ અને શેઠ વાતો કરતા હતા, અને શેઠે અચાનક તેની દિકરી માટે હાથ માગ્યો.  જુઓ શેઠજી, હેમાંગી રહી શુક્ર નો તારક, તે જયારે આકાશમાં ઉગે છે ત્યારે તે પોતાના ઓજસથી આખા આકાશને  ભરી દે છે. અને હું રહ્યો વગડાઉ ફુલ, ન તો ક'દી મંદિરે ચડી શકે, ન તો અબોંડે શોભી શકે.' 

શેઠ દંગ રહી ગયા આ જવાબ સાંભળીને. પેલા યુવકે વાતને આગળ વધારતા કહ્યુ ' શેઠ જ્યારે એસ-વાયમાં હતો ત્યારે મારા પિતાજીનું દેહાંત થયુ, અને બન્ને ભાઈ બહેનોની જવાબદારી મારા શીરે આવી, એટલે ગેરેજનુ કામ શીખી ગેરેજ શરુ કર્યુ, નિશંક મારો આ દેખાવ મારો વેરી બની જાય છે, મારો આ લૂક ગેરેજવાળા કરતા કોઈ ગારમેન્ટ કંપનીના મોડેલ જેવો વધુ લાગે છે'. 

શેઠ ફરીથી દંગ રહી ગયા કારણ શુભાંગ જે રીતે વિતક રજુ કરતો હતો તેમાં ભારોભાર સચ્ચાઈ ને ખુદ્દારી હતી.  'શેઠ હું જાણુ તમે તમારી દિકરીની ખુશી માટે ગમે તે કરવા તૈયાર થઈ જશો,  તમે મને કોઈ એક ફેકટરીમાં અર્ધ-માલિકી કે કે નવો પ્લાન્ટ..... પણ શેઠ એ મને મંજુર નથી.  કારણ મારે મારા કાંડાની કમાણી પર જીવવુ છે, એ સાથે મારે મારી જવાબદારીને પૂર્ણ કરી પિતૃ -ઋણમાં થી મુકત થવુ છે. '


'શેઠજી, તમને મારી વાત તોછડી લાગી હોય તો મને માફ કરજો. તમે અને તમારી દિકરીએ મને લાયક સમજીને લગ્નનો પ્રસ્તાવ મુકયો છે, તે બદલ હું તમારો કાયમ ઋણી રહીશ. ' કહેતા જ શુભાંગ લાઈબ્રેરી ખંડમાંથી હળવે પગલે બહાર નીકળી મુખ્ય પ્રવેશ દ્વાર જવા લાગ્યો.  


અમુલચંદ્ર, તેની દિકરી અને પત્નિ કોઈ અલગ જ અને ન સમજાય તેવા ભાવથી, જઈ રહેલા શુભાંગને જોતા રહ્યા...



ડો હિતેષ એ. મોઢા

No comments:

Post a Comment