'આજે 'કોપર-ચીમની' નહિ લેતો, 'હોટેલ રંગ-રીજન્સી' લઈ લે.' રોવરની પાછલી સીટે બેઠેલા ૩૦ વર્ષીય શેઠ અમિત દેસાઈએ કહ્યુ. શોફરે કારને વર્લી નાકાથી યુ ટર્ન મારી સી-ફેસ તરફ હંકારી.
કાર સી ફેસ વટાવીને ને સી-લીંક પર દોડવા લાગી અમિતનો છેલ્લા ત્રણ વર્ષથી આ ક્રમ બની ગયો હતો કે સાંજ ઢળે કે બારની મુલાકાત લેવી. આમ તો મૂળે તે સોફ્ટ ડ્રન્કન...આથી દરેક વૈભવી બારમાં જઈને લાઈટ બીયર અથવા રેડ વાઈન અથવા એગોરાઈટ લઈને રેસ્તોરાંમાં જમીને ઘરે જવું.
અમીતના ખાતે બે મસ-મોટી ટેક્સ્ટાઈલ મિલ હતી, જેનુ ટર્ન ઓવર કરોડો નહિ અબજોમાં હતું. છેલ્લા ત્રણ વર્ષથી કાયમી મુંબઈ સેટલ થયો હતો. અમદાવાદનો ઉદ્યોગ-કારોબાર તેના નાના ભાઈઓ સંભાળતા હતા. તીનબતીની પાંચમી લેનમાં વૈભવી બંગલો હતો. અને ઓફિસ નરીમાન પોઈંટ પર .
સાંજનો શોફર પણ અલગ હતો, અને કાર પણ અલગ. અને પોશાક જભ્ભો-લેંઘો. કોપર-ચીમની, હાર્બર અને બ્રેધલેશ તેના પસંદીદા બાર હતા. આમ તો બંગલોમાં એક આલા દરજ્જાનું બાર હતું. અને નોકરોની ફોજ પણ હતી.
પીવું તો ફકત બહાનું હતું. પરંતુ આ બહાને પોતે ફ્રેશ થઈ જાય અને મન પણ ..... સમયનો અતિ ચુસ્ત હતો. સાત વાગ્યે ઓફિસથી નીકળી જવુ અને ૮ વાગ્યે બાર તરફ અને અગિયાર વાગે ઘરે પરત, આ ક્રમ કોઈ પણ મોસમમાં ખોરવાયો નહોતો કે ન તો કોઈ ટ્રાફિકની સમસ્યા નડી હતી.
આજે તેના એક મિત્રે રંગ-રીજન્સીની વાત કરી એટલે શોફરને ત્યાં લઈ જવા કહ્યુ. હજુ તો એક વર્ષ પહેલા જ ખુલેલી 'રંગ રીજન્સી' એ સબર્બ મુંબઈની શાન નો ઈલ્કાબ પહેરી લીધો હતો. ધન કુબેરોની ભીડ ઉભરાવા લાગી હતી.
રોવર સી-લીંક ક્રોસ કરી લેફ્ટ ટર્ન મારી લેન્ડ -એન્ડ તરફ વળી, બારીએ ૩૦ માળ ધરાવતી હોટેલ રંગ-રીજન્સીનુ કલાત્મક સાઈન બોર્ડ ટેરેસ પર ઝગારાં મારી રહ્યુ હતું.
જાણે ફુટડાં રાજવીના માથે મણીયુકત મૃગટ.
કાર ફોયરમાં આવી અટકી, હોટેલના દરવાને કારનો દરવાજો ખોલ્યો. અમીત કારમાંથી નીચે ઉતર્યો, અને બાર અંગે પૃચ્છા કરી. હોટેલની હોસ્ટેસ અમીતને બાર ભણી લઈ ગઈ.
અમીતે લાસ્ટ કોર્નરનું ટેબલ પસંદ કર્યુ.
અને આ બાજુ બીજી સેમ મોડેલની રોવર ફોયરમાં અટકી, અને તેમાંથી એક યુવાન ઉતર્યો લગભગ તે પણ ૩૦નો જ હશે, તેને વેલેને કારની ચાવી આપી અને હોટેલની લોબી તરફ પગ ઉપાડયાં.
તે યુવાન બીજો કોઈ નહિ પણ આ હોટેલ રંગ રીજન્સીનો માલિક સંદીપ આચાર્ય હતો, પ્રથમ વાર હોટલની મુલાકાતે આવ્યો હતો, એ પણ છહ્ય વેશે યાને વિના કોઈ ઓળખ કે ઈન્ફોર્મેશન. હોટેલના ઈન્સ્પેક્શન માટે.
આઉટ ડોર કેટરીંગ ચલાવતો સંદીપને ત્રણ વર્ષ પૂર્વે એવી તે કઈ લોટરી લાગી કે
ત્રણ વર્ષમાં તો ભારતમાં દસ જેટલી ફાઈવ સ્ટાર હોટેલનો ખડકલો કરી દીધો. આજે બપોરની ફલાઈટમાં જ અમદાવાદથી મુંબઈ આવ્યો. આ હોટલનું જયારે ખોખુ છેલ્લા દસ વર્ષથી રીસામણે બેઠુ હતુ, સંદીપે બે વર્ષ અગાઉ હાથ અજમાવ્યો અને આ હોટલ આખા મુંબઈ શહેરની શાન બની ગઈ.
રીસેપ્શન પર જઈ રેસ્તોરાં અને બારની પૂછપરછ કરી, અને 'સુરાહી' બાર તરફ કદમ વાળ્યા.
'એક જમાના થા હમને હમદમ ખો દીયા, સાકી તેરા દીદાર હુઆ કી હમને ગમ ખો દીયા.....' ગઝલ હળવે હળવે તેનો માહોલ બનાવતી હતી. લાસ્ટ કોર્નર ટેબલ પર બીરાજમાન અમીતે બીયરનો અડધો ગ્લાસ ખાલી કર્યો.
બારમાં જગ્યા માટે આમ તેમ નજર ફેરવી, પણ આજે બાર ભરચક હતો, આથી, સંદીપ લાસ્ટ કોર્નર તરફ વળ્યો. હળવા પ્રકાશમાં અમીતને જોતાં તેની આંખમાં કશીક ચમક ઉપસી. પણ બીજી જ ક્ષણે નોર્મલ બની ગયો. અમીતતો ઢળેલા નયન સાથે મશગુલ હતો.
'મે આઈ હેવ એ સીટ હીયર, ? સંદીપે પૂછ્યુ, ઢળેલા નયને હાથથી ઈશારો કર્યો. સ્થાન ગ્રહણ કરતાની સાથે બાર-મેન ઓર્ડર લઈ ગયો. અને 'તમને કયાંક જોયા હોય તેવુ લાગે છે ? સંદીપે કહ્યુ. 'હમ' જેવા ટુંકા જવાબ સાથે અમીતે સંદીપ તરફ જોયુ. અને ક્લોથ નેપકીનથી કપાળ મોઢુ લુ્છવા લાગ્યો.
લુછવાની સાથે મન યાદ કરવા લાગ્યુ. અંતે કહ્યુ 'બની શકે ક્યાંક પ્રસંગમાં જોયા હશે'. કહી અમીતે નેપકીન ટેબલ પર રાખ્યુ. 'અરે હાં, યાદ આવી ગયુ તમને તો ગુગલ પ્લસમાં જોયા છે, તમે જે ફોટો શેર કરો છો તે બહુ જ મનોરમ્ય હોય છે, કહી સંદીપે હળવુ સ્મિત આપ્યુ.
'હાં એ બની શકે, હું રોજ એક કલાક જેટલુ નેટ સર્ફિંગ કરુ છુ. કહી અમીતે બીયરનો ગ્લાસ હોઠે માંડ્યો.
--------------0-----------------0--------------0---------------0-------------------0------------------0--------------
પછી તો બીજા દિવસની સાંજે અમીતની કાર 'રંગ રીજન્સી' તરફ વળી ગઈ. એ જ 'સુરાહી' બાર અને એ જ લાસ્ટ કોર્નર વાળુ ટેબલ. મહેફિલ જામી કે ફરીથી ગઈકાલ વાળી વ્યક્તિ ફરીથી.... સ્થાન ગ્રહણની સાથે હળવા સ્મિત, અને પછી, હળવી વાતોની શરુઆત હોટેલના માલિક સંદીપ તરફથી શરુ થઈ ....
હળવી વાતો પણ મહેફિલની જેમ રંગ જમાવવા લાગી, સંદીપ તેને એક બીયર વધુ પીવડાવવા લાગ્યો. ત્યારે અમીત કહ્યુ 'પ્લીઝ હું આ બાબતને લઈને આપનું માન સાચવી નહિ શકુ. મારી લીમીટ મને ખબર છે, અને તેને ક્રોસ પણ નથી કરતો'.
સંદીપે ને જરા ઓછુ આવ્યુ હોય તેવી મુખમુદ્રા સાથે અમીત સામે જોઈ ને કહ્યુ 'ઓકે માય ડિયર ફ્રે'. અમીતે તેને હળવુ સ્મિત આપ્યુ અને વેઈટરને બીલ લાવવાનું કહ્યુ. બીલ ચુકતે કર્યા બાદ ઘર ભણી પગલા ઉપાડયા.
આવુ સાત દિવસ સુધી ચાલ્યુ સંદીપ અને અમીત એક જ ટેબલ પર. બારના મેનેજરને આશ્ચર્ય જરુર થતુ હતું. તે અહિ આવનાર દરેક ગેસ્ટની લાઈફ સ્ટાઈલ, સ્ટેટ્સ અને કિંગ સાઈઝ ઈગોથી વાકેફ હતો. ક્યારેક કોઈ પણ ગેસ્ટ તે બીજા ગેસ્ટ સાથે આવી રીતે ટેબલ શેર ન કરતો. પણ અમીત તો મુસ્તાક હતો. તેને કોઈ અગવડતા કે અસુવિધાપૂર્ણ નહોતુ લાગતું.
આઠમા દિવસના અંતે સંદીપે કહ્યુ 'મિ અમીત હું તમને છેલ્લા એક વીકથી નીહાળતો આવુ છું, આપની છટા અને વ્યક્તિત્વ એવું છે કે ભલભલા લોકો અંજાય જાય. અને ઉપરથી આપની શાલીનતા તો હ્રદયની આરપાર ઉતરી જાય તેવી છે.'
'થેન્ક્સ મિ સંદીપ, કહી અમીતે ઉપર તરફ આંગળી ચીંધી. અને હળવેથી 'બોલ્યો આ બધુ ઉપરવાળાની ભેટ છેં.' 'મી અમીત મુંબઈ ખાતે આજે મારી છેલ્લી રાત છે કાલે સવારે તો બેક ટુ પેવેલિયન.' સંદીપે કહ્યુ. જવાબમાં અમીતે હળવેથી મસ્તક હલાવ્યુ.
'તમને કશું ખરાબ ન લાગે તો મનમાં બે એક સવાલ બાળજીજ્ઞાસા માફક ઉદભવ્યા છેં. આપ તેમના જવાબ આપશો? સંદીપે અમીત તરફ જોતા સવાલ કર્યોં. ' મિ સંદીપ મને જવાબ આપતા ફાવતું નથી, તેમ જ મારી જીંદગીમાં એવા કોઈ સવાલ નથી કે જેનાં જવાબ આપી શકુ.' અમીત એક કુશળ બિઝનેશમેનની જેમ બોલ્યો.'
'મને હતું જ તમે આવો કઈંક જ જવાબ આપશો, પ્લીઝ, મને એક બાળક સમજીને તો જવાબ આપશો ને ? સંદીપે તંત છોડયો. 'ભલે, પૂછો ' અમીતે કહ્યુ. અમીત સમજી ગયો હતો આ સવાલ પૂછવા માંગે છે અને સવાલ પૂછીને જ રહેવાનો છે તો ભલેને છો પૂછતો.
'હું તમને છેલ્લા એક વીકથી જોતો આવુ છું તમે એક જ સ્ટાઈલ અને એક સરખા માપે ડ્રિક લો છો તો તેની પાછળ કોઈ કારણ હોવુ જોઈએ, કારણ તમે માત્ર લીકર એડીકટ નથી.' સંદીપે કહ્યુ. 'હાં, ખરી વાત છે આપની. કહી અમીતે સંદીપ તરફ જોઈ સ્મિત ફરકાવ્યુ.
'આ ડ્રિક લેવા પાછળનું કોઈ કારણ ? ' સંદીપે સવાલ રજુ કર્યો, 'હા. હા. હા . કહી અમીત હસ્યો અને કહેવા લાગ્યો મને હતુ જ કે તમે આવુ જ કઈક પૂછશો, ભાઈ, તમારે શું જાણવુ છે ? તે સીધુ પૂછો તો મને વધારે ગમશે.
'મિં. અમીત પૂછવાનું ફકત એટલુ જ છે કે આપણી આ સાત દિવસની મૈત્રીમાં મને તમારો અંગંત ખુણો નહિ જણાવો ? કારણ તમારી પીવાની ઢબ જોતા તો એવુ લાગે છે તમારી ભીતર કઈક ધરબાયેલું છે. કહી સંદીપે સવાલને તરતો મુકયો.
'ચાલો દોસ્તીનો વાસ્તો આપો છો તો હવે હું જરુર કહીશ, પણ તમે પ્રશ્ન સ્પષ્ટ પણે પૂછો.' કહી અમીત ફરીથી એક સ્મિત હવામાં લહેરાવ્યુ. 'મિ. અમીત પૂછવાનુ ફકત એટલુ જ કે તમારા પ્રેમ વિશે જાણવુ છે બસ મારે તો,' કહી સંદીપે સૂચક નજરે અમીત સામે જોયુ.
'ઓહ આટલુ જ , હું તો નાહકનો ગભરાય ગયો, મને એમ કે તમે મારા ધંધા વ્યવસાય કે આવક અંગે પૂછશો.' કહી અમીતે સંદીપના ખભા પર હળવી ટપલી મારી, અને વાત ને આગળ વધાવી.
'એક્સ નામ ના નગરની વાત છે તેમાં હુ રહેતો હતો, આજથી લગભગ સાડા ત્રણ વર્ષ પૂર્વે મારા કુંટુંબીજનોની પસંદગી અનુસાર એક યુવતિ સાથે થયા. લગ્નની પ્રથમ રાત્રીએ , હું તેની નજીક ગયો અને તેની હથેળીમાં મારા હાથમાં લીધી તો મને તો થયુ કે તેના સ્પર્શમાં મને સ્પર્શવા કે પામવાની અનુમતિ નથી. '
'સંદીપજી હું પણ તમારી જેમ થોડુ થોડુ આવુ રીડીંગ જાણુ છું, અને ઉપરથી વર્ષોના વ્યવસાયનો અનુભવ. વાત બગડે તે મને પાલવે તેમ ન હતી, તેમ કોઈ વ્હાલને અભડાવવુ તે મારો મિજાજ નહોતો. વાત કળીને મે બેડરૂમના સોફા પર લંબાવ્યુ. આમ હું પ્રથમ બોલમાં જ હું ક્લીન બોલ્ડ થઈ ગયો. કહી અમીતે હસ્યો.
સંદીપ ઉઘાડા મોઢે ઉદગાર જનક બોલ્યો પછી?!!!!! 'પછી શું, વિધીવત પતિ પત્નિ હતા, પણ મન તથા તનથી નહિ. આઘાત તો જીલાય ગયો હતો, પણ પ્રત્યાઘાત છોડતો ગયો આવુ કેમ ??? હું તો આ બધુ ભુલવા મથી ગયો. દિવસ દરમ્યાન કામની માત્રા વધારી દીધી. અને રાતે મોડુ આવવાનું નક્કી કર્યુ.' કહી અમીતે હળવો પોરો ખાધો.
પાંચ છ સેકન્ડ બાદ સંદીપે ઈશારાથી પૂછયુ 'પછી શું થયુ ?'. ' લગ્ન ના એક મહિના બાદ હું એક દિવસ ઘરે પહોચ્યો, ત્યારે ખાસ્સુ મોડુ થઈ ગયુ હતુ, આથી મારા બેડરૂમ જવા ને બદલે બાજુ ના રહેલા રૂમમાં રાત-વાસો કરવા ગયો. ફ્રેશ થઈને બાલ્કની તરફ જતો હતો તેવામાં મારી પત્નિ નો અવાજ સંભળાયો. બાલ્કની પર ઉભી રહી મારી પત્નિ મોબાઈલ પર કોઈ જોડે હળવા અવાજે વાતો કરતી હતી. આથી, હું બીલ્લી પગે લપાતા લપાતાં બાલ્કની પર પહોંચ્યો. ' કહી અમીતે ગ્લાસમાંથી હળવી સીપ લીધી.
' મારી પત્નિ કોઈકને કહેતી હતી, થોડી ધીરજ રાખ થોડા સમયમાં હુ ડિવોર્સ લઈને છુટી થઈ જઈશ પછી આપણે કોણ રોકવાનું ? તું એક કામ કર કાલે તું મને તળાવની પાળે આપણી રાબેતા મુજબની જગ્યાએ મળજે એટલે તને આખી વાત શાંતિ થી કહીશ. આટલી વાત સાંભળી હું બેડ પર આવીને લંબાવ્યુ. ઉંઘતા પહેલા અમારી કંપની માટે કામ કરતી એક જાસુસી કંપની સંપર્ક કરી, મેલ દ્વારા બધી વિગત ફોરવર્ડ કરી.
બીજા દિવસે સાંજે મને મેલ આવ્યો, તેમાં જણાવ્યુ હતુ કે મારી પત્નિ કોઈને ચાહે છે અને આ લગ્ન તેની ઈચ્છા વિરુધ્ધ કરવામાં આવ્યા છે, કારણ તે જેને ચાહતી હતી, તે કઈ ખાસ કમાતો નહોતો. આ મેટરને સાતમાં પાતાળે ધરબી ઘરે આવ્યો.
પછી ના મહિનાઓમાં મે તેને ડિવોર્સ આપી દીધા. કેમ મારી તરફેણમાં હોવા છતાં મે તેને વીસ ખોખા ગીફ્ટ તરીકે આપ્યા. અને તે જ દિવસે સાંજની ફ્લાઈટમાં હું આ મોહમયી નગરીમાં આવી ગયો. મારા અહિના બિઝનેસને વિસ્તારવા. અને મનને પણ વિસ્તારવા જેથી આઘાતનું કોઈ નામનિશાન ન રહે. કહી અમીતે વાતને પૂર્ણ વિરામ આપ્યો.
''વાઉ '' અદભૂત અન બીલીવેબલ'' કહેતા જ સંદીપે તાળી પાડવા લાગ્યો. તેવાં જ સંદીપનો સેલ વાગી ઉઠયો અને તે એક્સક્યુઝ કહી બારની બહાર નીકળ્યો. પાછળથી અમીતે બીલ મંગાવ્યુ સાથે એક હોટેલ સ્ટેશનરી અને એક કવર મંગાવ્યુ.
પંદર મિનિટ બાદ સંદીપ પાછો આવ્યો અને કહ્યુ થેન્ક્સ મિ અમીત, આપે મને આપની વાત કહી, પણ આપે તેને આટલી સંપતિ ??? ફરી એક સવાલ સંદીપે છેડ્યો.... ''હા. હા. હા. તમને આજે બરાબરનો ચડી ગયો છે, ઍટલે સવાલોની શૃંખલા ચાલુ રાખો છો મિ સંદીપ. અમીતે હસતા હસતા પૂછ્યુ.
'મિ અમીત આ છેલ્લો અને નાનકડો જ સવાલ છે, તો તેનો ઉતર પણ નાનો જ હશે? 'કહી સંદીપે આંગળી અને અંગુઠાની સંજ્ઞા બનાવીને બાળકની માફક સવાલ કર્યો.
'મિં.સંદીપ મને મોડુ થાય છે, જતાં જતા એટલુ કહીશ કે 'પ્રેમ'. ' કહેતા અમીત ઉભો થઈ ગયો અને બારના મુખ્ય દરવાજા તરફ જવા લાગ્યો. સંદીપ તેને તાકતો રહ્યો. થોડી વાર બાદ વેઈટર આવ્યો અને સંદીપના હાથમાં એક કવર આપ્યુ અને કહ્યુ 'તમારી સાથે બેઠેલા સરે તેના ગયા બાદ તમને આપવાનું કહ્યુ હતું. '
વેઈટરના ગયા બાદ સંદીપે કવર ખોલ્યુ તો તેમાંથી 'સુરાહી' ટાઈટલ વાળો એક કાગળ નીકળ્યો, કાગળ ખોલીને જોયુ તો થોડા વાકયો લખેલા હતા. સંદીપ એ કાગળને વાંચવા લાગ્યો, 'મિત્ર શ્રી સંદીપ યાને આ હોટેલના માલિક કહુ ? આશ્ચર્યના હળવા આંચકા સાથે પત્ર વાંચવા લાગ્યો.
''સંદીપ. મે મારી પત્નિને પ્રેમ કર્યો હતો, પરંતુ મને ખબર નહોતી કે તેનો પ્રેમ કોઈ અન્ય છે, અને તેનાં પ્રેમને કાંઠે લાવવા પૈસા નામની વહાણ જરુર હતી, અને એ વહાણ મે પુરુ પાડયુ જેથી મારી પત્નિ ને ભવિષ્યમાં કોઈ પણ જાતની તકલીફ ન રહે. અને તે તેના પ્રેમ સર્વાંગ પામી શકે. આ કરવા પાછળનો એક માત્ર હેતુ પ્રેમ અને પ્રેમ. આ વાતથી આશ્ચર્ય જરુર થઈ શકે પણ આ જ સત્ય છે.
જેમ મે ખુલ્લા હ્રદયે તમારી બાળક જેવી જીદ સામે મારી અંગત આપવિતી રજુ કરી, તેમ તમે મને એક વચન આપશો સોરી પાળશો તેવી અપેક્ષા છે કે આ વાત તમારી ધર્મ પત્નિ કમ પ્રેમિકાને ક'દી કયારેય પણ ન કહેશો. કે તમે અને હું ક્યારેય આવા મોડ પર મળ્યા હતા, હું તમને પ્રથમ દિવસે જ ઑળખી ગયો હતો આથી વધુ વિગત ટાળુ છું. ''
લિખિતંગ
એક અજાણ્યો યાત્રી
પત્ર પૂરા થતાની સાથે સંદીપ ટોઈલેટ તરફ દોડી ગયો. માંડ માંડ કાબુમાં રાખેલી આંખ હવે મુકત પણે વરસી પડી.
ડો હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment