દસ વર્ષ બાદ પોતાના વતન સખપૂર તરફ જઈ રહ્યો હતો, પોતાની કારને સરકારી જીપોના કાફલો એસ્કોર્ટ કરતો આગળ પાછળ દોડી રહ્યો હતો. દસ વર્ષમાં પોતે ખાસ્સી પ્રગતિ કરી હતી, પોસ્ટ ગ્રેજ્યુએશનને એક વર્ષની વાર હતી, ત્યાં તો સ્પેશ્યલ ક્વોટામાં આહવા ખાતે નાયબ મામલતદાર તરીકે પોસ્ટીંગ થયુ, પછી તો જીપીએસસી અને આઈએએસની પરીક્ષાઓમાં ઉતિર્ણ થવું તેનો ગુણધર્મ બની ગયો હતો.
એક વાતનું અચરજ રહ્યુ કે બે-રોજગારીનું કાર્ડ પણ નહોતુ કઢાવ્યુંને આ પોસ્ટીંગ કેમ થયુ?? મનને વલોવી નાખતો, પણ મન અનુતર રહેતું. શરુઆતથી હોદાનો લેશ માત્ર ઢોળ નહોતો ચડવા દીધો જાત પર. સોપાન પર સોપાન સર કરતો ગયો, આજે ગુ.રા. નો મુખ્ય નિયામક તરીકે ... ફકત ૩૨ વર્ષની નાની વયે... કાર્યની શૈલીથી લઈને કાર્ય નિષ્ઠાની, પ્રસંશા રાજય બહાર કેન્દ્ર સુધી થતી.
કારનો કાફલો ભાવનગર બાયપાસથી અમરેલી રોડ તરફ વળવા લાગ્યો, કારની બારીનો કાચ નીચે ઉતારી શ્વાસમાં વતનની સુગંધને ભરવા લાગ્યો. સુંગંધ ઘુમરાતી રહી, અને બારીએ થી આવતો પવન તેને કોલેજના પ્રાગંણ સુધી લઈ ગયો.
ભણવામાં કાયમ અવ્વલ રહેનાર કોલેજના પ્રથમ વર્ષમાં કોઈને હૈયુ આપી ચુક્યો હતો. એ ''કોઈ'' નું નામ હતું. ''સાયલી''. મૂક અભ્યાસની સાથે પ્રેમ પણ મૌન બનીને રહેતો હતો. પીજીના પ્રથમ વર્ષાંતે; કોલેજ કેમ્પસમાં સાયલીને આંતરીને મેંદીની વાડ પાછળ લઈ જઈને સવાલ કર્યો.
'સાયલી' આમ ક્યાં સુધી આપણે મળવાનું ?' 'તું એક વાર તારા મમ્મી -પપ્પાના કાને આપણી વાત નાખી જો'. 'ચાંદ, થોડી ધીરજ રાખ આમ ઉતાવળ કરવાથી ક્યાંક બાજી બગડી જશે'. તું મારા પેરેન્ટ્સને નથી ઓળખતો, એ લોકો જીવ પર આવીને ગમે તે કરી નાખે તેમાંના છે, અને ઉપરથી મારા બે બે મોટા ભાઈઓ, મારી જાન, આ જાનની સામે મારી જાનને કઈં થતા હું જોઈ શકુ તેમ નથી'. કહેતા જ સાયલીનો કંઠ રૂંધાય ગયો.
'ઓકે, તો પછી હવે મારે જ કઈંક કરવુ પડશે'. આમ ને આમ આવતું વર્ષ પણ પૂરુ થઈ જશે, પછી ન તો મળવાનું કોઈ સ્થળ રહેશે કે ન બહાનું'. અને તારા ઘરના ન માને તો પણ એક વર્ષ તો આપણા હાથમાં જ રહે ને? આ એક વર્ષમાં ગમે તેમ બહાનું ગોતીને ભાગી જઈશું, અને પ્રભુતામાં પગલા..'' અને પછી'' ......સવન આગળ બોલવા જતો, તેવાંમાં સાયલીએ તેને અટકાવ્યો 'સવન યાદ કર પ્રેમના એકરારની વેળાએ એક શરત રાખી હતી, કે લગ્ન તો' .......'હાં મારા અષાઢી વાદળ મને યાદ છે પણ એ સંભવ નથી લાગતુ.'
એ જ સાંજે, સવન પટેલ, શેઠશ્રી દલસુખ પટેલના ઘરે પહોંચ્યો, અને તેની દિકરી સાયલીનો હાથ માંગ્યો. શેઠ અતિ ઠરેલ અને જમાનાના ખાધેલ માણસ હતા, પણ સવનની વાત સાંભળીને પોતે ખળભળી ઉઠયા, જાણે કોઈએ પોતાના અહંકાર પર પાદ પ્રહાર કર્યો હોય!!! પ્રથમ વાર ત્વરીત પ્રતિક્રિયામાં; પોતાનો હાથ સવનના ગાલ તરફ જતો હતો, તેવાંમાં સવને હાથ પકડી લીધો, અને કહેવા લાગ્યો, 'શેઠ સાહેબ પ્રેમની વાતોમાં આક્રમક વલણ કદી શોભતું હશે?!!!!', 'નાલાયક અત્યારે ને અત્યારે નીકળી જા મારા ઘરમાંથી, મારા દિકરાઓનો આવવાનો સમય થઈ ગયો છે'; આક્રમક વલણ તેને માટે સાધારણ વાત છે'.
બીજે દિવસે જોયુ તો સાયલી કોલેજ આવી પણ મળવાનું બંધ થઈ ગયુ હતું, કોલેજ કંપાઉંડની વોલ પર નક્કી કરેલા ખાંચામાં ચીઠ્ઠી મૂકી ચાલી ગઈ. એક પખવાડીયું માંડ આ ક્રમ ચાલ્યો હશે કે તેનું પોસ્ટીંગ આહવા......
પછી તો આહવા અને ગાંધીનગરના અપડાઉનમાં બે વર્ષ કેમ વીતી ગયા તેની જાણ જ ન, રહી. આ જ સમય ગાળામાં સાયલીના લગ્ન લેવાય ગયા. આ વાતની જાણ ત્યારે થઈ. જ્યારે તેના એક દુરના સગા જ્યારે ગાંધીનગર મળવા આવ્યા, અને ગામના આખાની ચર્ચા ચાલી અને તેમાંથી તેને ખબર પડી કે ......................
પોતાની કાર સરકારી રેસ્ટ હાઉસ પર આવીને ઉભી રહી. ફ્રેશ થઈ થોડો આરામ કરવા આડો પડયો, અને છેક સાંજે આંખ ઉઘડતા ગામ તરફ જવાની તૈયારી કરી. જીપનો કાફલો અહિ ઉભો રહે તેવુ સુચન કરી પોતે સરકારી કાર અને એક ઓર્ડર્લી સાથે ગામ તરફ પ્રયાણ કર્યુ, નદીના સામા કાંઠે તેનુ ઘર હતુ.
ઘરમાં ખુશાલીની લહેર ફરી વળી, મા-બાપ અને ભાઈ ભાભીઓથી ભરચક સંસારમાં જઈને સામેલ થઈ ગયો. ભત્રીજા અને ભત્રીજીઓમાં મશગુલ થઈ ગયો, મોટા ફળીયાના આ ઘરમાં, રાત્રીનુ ભોજન પોતે ખાટલા પર જ કર્યુ.
ભોજન બાદ ડ્રાઈવરને કાર રાવજી બાપુના ફળીયા તરફથી લેવાનું કહ્યુ. કાર સોની બજારમાંથી થઈ ને જેવી બાપુના ફળીયા તરફ વળી, કે કારને ઉભી રાખવાનુ કહ્યુ. રાતના નવ વાગ્યાનો સમય થયો હશે.અડધીયા ટયુબ લાઈટના અજવાળે ફળીયુ અને ગલી સુમસામ ઉભા હતા. કારની જમણી બાજુ, પૂર્વે આવેલા મહેલ જેવડાં આવાસને નિરખતો રહ્યો. ઓર્ડરલીના કાનમાં કઈક કહ્યુ અને તે ઉતરી ને પેલા વિશાળ મકાન તરફ.......
થોડી વાર થઈ હશે કે સાઈઠ બાસઠ વર્ષના એક વૃદ્ધ હાંફળા ફાંફળા દોડતા દોડતા તેની કાર તરફ આવી રહ્યા હતા, કારનુ દ્વાર ખોલ્યુ. પેલા વ્રુદ્ધ કહેવા લાગ્યા ''આવ આવ સવન દિકરા'' પણ કાર તરફ જોતા ફરીથી કહેવા લાગ્યા 'આવો સવન સાહેબ આવો અમારુ આંગણુ પાવન કરો'.
'નહિ શેઠજી, આજે નહિ ફરી ક્યારેક ફુરસદમાં આવીશ ત્યારે મળીશ, પણ એક વાતનો આભાર ખાસ માનવા ઈચ્છુ છું કે આપ મને ન મળ્યા હોત તો આ પ્રગતિ શક્ય જ ન થાત' કહેતા સવન કારમાંથી ઉતરીને શેઠ ને પગે લાગ્યો.
કાર રેસ્ટ હાઉસ તરફ દોડતી જોઈને શેઠ સ્વગત બોલ્યાં ''હાં ખરી વાત છે, મારી જ વગથી, રાતો રાત તને સરકારી નોકરીમાં રખાવ્યો હતો, તેમાં મારો સ્વાર્થ હતો, મારી દિકરીને બીજે પરણાવી શકુ'. 'પરંતુ મારા સ્વાર્થમાં મે હિરો ગુમાવી દીધો'. 'અને દિકરીને પણ .....લગ્ન પછી એક વાર પણ બાપનું મોઢુ જોવા આવી નથી'.
ડો હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment