Sunday, May 31, 2015

એક બર્ફીલી કથા (ભાગ--૧) ડો. હિતેષ એ. મોઢા


મધરાતે સેલ ફોન રણકી ઉઠયો અને જોયુ તો એક અજાણ્યો નંબર... ફોન ના ઉપાડયો... ફરી રણક્યો ... લગાતાર આવુ દસ વખત ચાલ્યુ.. કંટાળીને ફોન ઉંચક્યો તેવામાં સામેથી એક ટહુકો સંભળાયો... તનુજ હુ તને મળવા માંગુ છુ... સમજાય તેવુ બોલો  કોણ બોલો છો અને આમ અધરાતે શાને ફોન કરી  પરેશાન કરો છો. તનુજ હુ મેઘાવી બોલુ છુ... તુરતજ નામ સાથે એક ચહેરો યાદ આવી ગયો ... મીઠીબાઈ કોલેજમાં જેને હુ મળ્યો હતો... તે પણ સ્ટુડેન્ટ ફેસ્ટમાં ... સાહિત્યમાં કશા ટપ્પા પડે નહિ અને તે યુવતીની કોઈ એક રચનામાં વાહ વાહ કરી હતી .. અને ત્યાર બાદ તેને એક ડ્રામામાં જોઈ હતી... પણ આ તે જ યુવતિ હશે???  તેની સાથે તો કદી વાત પણ નહોતી કરી તો ???? મન ચકરાવે ચડી ગયુ, એક તો અધરાત ને ઉપરથી સસપેન્સ ફિલ્મ જેવો આ ફોન?? કશો જ નિસ્બત નહોતો જેની જોડે તે વ્યક્તિ નો ફોન .......

ચારેક દિવસ બાદ મળવાનુ નક્કી કર્યુ..  બાંદ્રા લીંકીંગ રોડ, પર આવેલા કાફેટેરીઆ  ''ટોમેટો-ચીલી''માં મળવાનું ગોઠવ્યુ.... મળતાની સાથે  તનુજે પુછ્યુ કે 'તને મારો સેલ નંબર ક્યાંથી મળ્યો?' 'હજુ બેસીને રીલેક્સ થઈ ત્યાર બાદ કંઈક ઓર્ડર કરીએ, પછી વાતો કરીએ તો, કેવુ રહેશે તનુજ ?' મેઘાવી બોલી. 'હમ્મ' કહી તનુજે વેઈટરે ઓર્ડર કર્યો. 

હળવા નાસ્તા સાથે થીકશેઈકની સીપ લેતાં લેતાં મેઘાવીએ વાતનો પ્રવાહ ફરીથી શરુ કર્યો. કહેવા લાગી કે તારો સેલ નંબર સોશ્યલ સાઈટ ''માય ફ્રેન્ડ્સ વર્લ્ડ'' માંથી મેળવ્યો છે. પણ તારી પ્રોફાઈલ અને ફોટોઝ જોતાં એવુ થયુ કે તું હજુ સુધી પરણ્યો નથી, હું એક લગ્ન જીવનમાં દગો પામી છું, અગર તારો.......'' 'બસ બસ' કહી તનુજે તેની વાતને અધ્યાહારે મૂકી ને કહ્યુ કે તે આવુ પ્રેડીક્ટ કઈ રીતે કરી લીધું કે હું પરણેલો નથી ? અને બીજી વાત એ છે કે હું આ મેટરને લઈને કોઈ ચર્ચા કરવા નથી માંગતો. પરંતુ એ પહેલા આપણે નાસ્તાને ન્યાય આપીએ તો? 

નાસ્તો ખતમ થયો. મેઘાવીની આનાકાની સાથે તનુજે કાફેનું બીલ પે કર્યુ.  મુખવાસ ખાતા ખાતા તનુજ બોલ્યો 'મેઘાવી હવે હું રજા લઉ? ' મેઘાવી પાસે હવે કોઈ વિષય કે ન તો કોઈ શબ્દો હતા, ફકત ગરદન ઘુમાવી અનુમતિ આપી. અને તનુજ ત્વરાથી કાફેટેરીઆની બહાર ચાલ્યો ગયો. 

મેઘાવીએ પર્સમાંથી ફોન કાઢયો અને ટચ સ્ક્રીન પર આંગળીઓ ફરવા લાગી, સામે છેડેથી અવાજ આવ્યો,  'आपण डायल केला फोन व्यस्त आहे, 'थोड्या वेळाने नंतर कॉल करा'.. થોડી વાર રહી ફરીથી ફોન જોડયો પણ એનો એજ મેસેજ...આ બાજુ  તનુજ પાર્કીગ લોટમાંથી કાર બહાર કાઢી લીંકીંગ રોડની ઉતર તરફ વળાવી. 

ટ્રાફિક ને ચીરતી ચીરતી કાર  બાલ્કનજી બારીથી જમણી બાજુ જુહુ તારા રોડ પર વળી. પણ ટ્રાફિક એટલો હતો કે લીડો સીનેમા પાસે કારને બ્રેક કરવી પડી... કાર તો ઉભી રહી ગઈ હતી પણ મન કશી જ ભીડ વિના રોકેટ રફતારે દોડવા લાગ્યુ..... જુહુ તારા રોડથી ઉડીને છેક જુહુના ગુલમહોર રોડ સુધી પહોંચી ગયુ, મીઠીબાઈ કોલેજના પટાંગણમાં.... ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થતા જ પ્રેમ નામનું પતંગીયુ ઉડતું ઉડતુ આવીને પોતાના હૈયે ક્યારે બેસી ગયુ તેની જાણ પણ ન રહી. મૂક લાગણીના વણલિખિત કરાર થયા. એક બીજાના હ્રદયના સરનામાંમાં એક બીજાના નામ લખાયા. પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરુ થતાની સાથે શરણાઈના સૂરથી જુહુ સ્પોર્ટસ ક્લબ ગૂંજી ઉઠી અને હનિમૂન સ્વીટઝરલેન્ડની બર્ફીલી વાદીઓમાં..... આહ્હ્હ્હ્હા...

મે-જુનમાં,  આકાશમાં જેમ વાદળો દોડે તેમ મન દોડીને સ્મરણોના અનુભવ, અને અનુભુત થયેલા સ્મરણો ઝંકૃત કરવા લાગ્યા.....એક મહિના સુધી ઉતુંગ બર્ફીલા પહાડોમાં ડ્યુએટ ગીત પડઘાતુ રહ્યુ અને મહિનાના અંતે તનુજ તેના ગમતીલા સ્થળે  બેલીંઝોના આવી ગયો, ચારે તરફ બરફીલા પહાડો અને તેની ગોદમાં વસેલુ બેલીંઝોના......રોમન યુગની આલબેલ પોકારતો કેસલ અને તેની સમાંતરે સપાટ મેદાનમાં વસેલુ નાનું પણ અતિ આધુનિક નગર......

નગરની એક એક ગલી ને રસ્તા વચ્ચે આ યુગલે મન મૂકી મન ભરી પ્રેમ કર્યો હતો, હુંફાળા આલિંગનમાં વીંટળાઈ થઈ ને તસતસતા ચુંબનોની જાણે હેલી થતી....  પ્રણયની આ પળોએ જાણે સમય થંભી જતો.......સ્મરણોમાં ઓળઘોળ થતો ગયો અને ક્ષણો જીવંત થવા લાગી અને રોમ રોમ પર નાની નાની ડુંગરીઓ ઉપસવા લાગીને , પેટમાં પીંછાનો સ્પર્શ,  તેમાંથી ઉઠતા મધુર સ્પંદનોથી નાભી વળખાવા લાગી, આંખના પોંપચે ઘેન ઘેરાવા લાગ્યુ, શ્વાસમાં લય બદ્ધ ગતિ સાથે એક અનેરી સુંગધનો દરિયો ઉમડવા લાગ્યો...... જે એકમેકના અસ્તિત્વને એકાકાર થવાનું નિમંત્રણ.........શરીરની આસપાસ એક આભા રચાવા લાગી... કોઈની અનુભુતિ એટલી તીવ્ર પણે આકાર લેવા લાગી કે કોઈ સાકાર રૂપે ... સદેહે .....,.....,.....

અપૂર્ણમ........


ડો. હિતેષ એ. મોઢા

No comments:

Post a Comment